કેન્દ્ર સરકાર પર સતત ઇડી, સીબીઆઇ અને ઇન્કમ ટેક્સના દુરુપયોગનો આરોપ થઈ રહ્યો છે. વિરોધ પક્ષ સતત આ મામલે કેન્દ્ર સરકાર પર માછલાં ધોતું આવ્યું છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષના નેતાઓ આ પ્રકારના કેસમાં જેલની પણ હવા ખાઈ ચૂક્યા છે. વિરોધ પક્ષ ઇડી, સીબીઆઇ કાર્યવાહી પાછળ ભાજપની મેલી મુરાદ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સંસદમાં ખુલાસો થયો છે કે છેલ્લા ૧૨ વર્ષના ગાળામાં ઇડી દ્વારા ૬૪૪૪ અને ઇન્કમ ટેક્સ દ્વારા ૧૩,૮૭૭ જેટલા કેસ નોંધાયા હતા.
સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૫-૨૬ સુધીમાં ED દ્વારા ૬૪૪૪ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સૌથી વધુ કેસ વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧૧૬ કેસ નોંધાયા હતા. સૌથી ઓછા કેસ વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ૧૧૦ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૫-૨૬માં નવેમ્બર સુધી ૫૫૬ કેસ નોંધાયા હતા.
ઇડીએ ૧૧૧૦૬ કેસોમાં તપાસ કરી
ઇડી દ્વારા નોંધવામાં આવેલા કેસમાં ૨૦૧૪થી ૨૦૨૬ સુધીના ગાળામાં ૧૧૧૦૬ તપાસ હાથ ધરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪માં માત્ર ૪૬ તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યારે સૌથી વધુ તપાસ વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૦૦ જેટલી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫ના વર્ષે નવેમ્બર સુધીમાં ૨૨૬૭ તપાસ કરવામાં આવી છે.
૧૩૮૭૭ કેસ સામે માત્ર ૫૨૨ કેસમાં આરોપ સિદ્ધ
ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા ૨૦૧૪ થી લઈને ૨૦૨૫ સુધીમાં કુલ ૧૩૮૭૭ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, તેની સામે માત્ર ૫૨૨ કેસમાં આરોપ સિદ્ધ થયો હતો. જ્યારે ૯૬૩ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ ૩૩૪૫ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.