ચમત્કારો આજે પણ થાય છે, સુરતના સણિયા-હેમાદમાં વિહત માતાનો મઢ જીવતું જાગતું ઉદાહરણ

Share this story
સંકટમાં ઘેરાયેલા ઉદ્યોગપતિઓ, રાજકીય, સામાજિક, આગેવાનો, અધિકારીઓથી શરૂ કરીને છેવાડાના શ્રમજીવીઓ માતાના મઢેથી ખાલી હાથે પાછા ફર્યા નથી
મોટાભાઇ ઇશ્વરબાપુએ માતાજીના પ્રતીકરૂપે આપેલી પાઘડી અને માથે પતરાની પેટી મૂકીને આવેલા સાહરબાપુને સુરત મનપાના ફાયરબ્રિગેડમાં નોકરી મળી હતી, આગ લાગે ત્યારે દોડવાનું અને બાકીના સમયમાં માતાજીની ભક્તિ કરતા કરતા લોકોનો વિશ્વાસ બની ગયા
 
વિહતમાતાના મંદિરમાં કોઈ ન્યાતજાતના વાડા નથી, કોઈ દાન દ‌િક્ષણા લેવાતા નથી કે મંત્રતંત્ર કરાતા નથી, સાહરબાપુ માતાજીને દુઆ કરે છે અને અનેક લોકો નસીબે રાહત અનુભવે છે
 
માતાજીની ભક્તિ અને લોકોની શ્રધ્ધાને પગલે સાહરબાપુ ઝડપથી આસ્થાનું કેન્દ્ર બનતા ગયા અને એક દિવસ નોકરી છોડવી પડી, આજે આલીશાન મહેલ કરતા પણ વિશેષ વિહત માતાના મઢમાં લોકોની સમસ્યાઓનો આદ્યાત્મિક ઉકેલ શોધવા મથામણ કરતા સાહરબાપુના વાણી, વર્તન અને વહેવારમાં કોઇ જ ફરક નથી
સામાન્ય સંજોગોમાં કાળા માથાના માણસને સંકટ આવે ત્યારે ઘરના દરવાજે લીંબુ મરચા લટકાવતો થઇ જાય છે. મંત્રતંત્ર દોરાધાગા માદળીયાવાળાને ત્યાં લાઇનો લાગે છે. ઘણા લોકો પોતે જાણે આવા બધા વિધિવિધાનમાં માનતો નહી હોવાનો દેખાડો કરવાનું ચાલુ રાખીને પણ ખાનગીમાં ક્યાંકને ક્યાંક માથું ઝુકાવવા પહોચી જાય છે. અલબત્ત આ બધું કરવા પાછળ માત્રને માત્ર આર્થિક, સામાજિક, પારિવા‌િરક કે જાહેર જીવનમાં ઊભી થયેલી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટેની મથામણ હોય છે અને એટલે જ પોતે માતાજીના ઉપાસક હોવાનો ઢોંગ કરતા ધૂતારાઓ માટે આવા લોકો શિકાર બનતા રહે છે.
01
કુદરતે જીવમાત્રના જીવનમાં સુખશાંતિ સ્થાપવા અનેક ઉપયોગી રચનાઓ કરી છે. પથ્થર યુગમાં પણ લોકો દેવી-દેવતાઓને પૂજતા હતા. મતલબ ઇશ્વરે પોતાના સર્જન કરેલા માનવ જગતના જીવનની સમસ્યાઓ પણ હલ કરવા દૈવી શક્તિની પણ રચના કરી છે પરંતુ સ્વાર્થના જગતમાં જીવતો માણસ ક્યારેક ઇશ્વરીય શક્તિઓ કરતા પોતાની જાતને સર્વોપરી માનતો થઇ જાય છે  ત્યારે જ કઠણાઇની શરૂઆત છે અને જ્યારે ચારે તરફથી સમસ્યાના ઉકેલના દરવાજા બંધ થઇ જાય છે ત્યારે ઇશ્વરીય શક્તિના ચરણે જવાની દિશામાં પ્રયાણ કરે છે પરંતુ આમાં પણ  ટુંકા રસ્તા શોધવાના પ્રયાસ કરીને વધુ મુસીબતોને આમંત્રણ આપે છે.
ન્યાત, જાત, વર્ગ, વર્ણવ્યવસ્થા ભલે માણસે જાતે ઊભી કરી હોય પરંતુ ઇશ્વરે પણ માણસ જાતની સમાંતર વ્યવસ્થા ઊભી કરી છે. પરિવારનું ગૌત્ર, કુળદેવી, સહિતની આખી વ્યવસ્થા પણ ઇશ્વરે જ ઊભી કરી છે. ઘણાને નવાઇ લાગશે પરંતુ વેદ, શાસ્ત્રો, નિષ્ણાંતો, ધર્મગુરુઓ, આચાર્યો સહિત સંતો મહંતો ક્યારેય પણ એક સમાન ગૌત્રના યુવક અને યુવતીના લગ્ન કરવાની ભલામણ કરતા નથી. કારણ આની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. આપણા શાસ્ત્રોમાં  પારિવારિક જીવન સરળ બનાવવા અનેક શાસ્ત્રો ઉપરાંત ‘વાસ્તુશાસ્ત્ર’ની રચના પણ ઇશ્વરે જ કરી હશે. મતલબ આપણા ધાર્મિક, વૈદિક વહેવારમાં પણ વિજ્ઞાન સંકળાયેલું છે. કદાચ પોતાની જાતને સર્વોપરી માનતા લોકો આપણી વૈદિક પરંપરાને ઢોંગ સમજતા હશે પરંતુ કુદરતની થાપટનો ભોગ બને છે ત્યારે હાથના કાંડા ઉપર સુતર કે રેશમનું કાંડુ બાંધવામાં કે ઘર, ઓફિસના દરવાજે લીંબુ મરચા લટકાવવામાં શરમ અનુભવતો નથી.
હમણાં થોડા સમય પહેલાં આપણા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે સેનામાં સામેલ કરાયેલા લડાકુ વિમાનની લીંબુ-મરચા લટકાવીને કંકુથી સા‌િથયો કરીને પૂજા કરી ત્યારે ઘણા લોકોએ રક્ષામંત્રી રાજનાથસિંહને આજના વિજ્ઞાનયુગમાં ‘ઓર્થોડોક્સ’ એટલે કે અંધશ્રધ્ધામાં માનનારા ગણાવ્યા હતા. તો હમણાં જ ભારતે જ્યારે ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું એ ‘ચંદ્રયાન’ને અવકાશમાં છોડવામાં આવ્યું ત્યારે પણ પૂજા, પાઠ, કરવામાં આવ્યા હતા અને ચંદ્ર ઉપર ઉતરાણ કર્યાની સાથે વૈજ્ઞાનિકોએ તિરૂપતિ ભગવાનની પૂજા કરી હતી.
આવી બધી ઘટનાઓ ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પોતે દેવી ઉપાસક છે અને સમગ્ર નવરાત્રી દરમિયાન માત્ર ને માત્ર પાણી પીને ઉપવાસ કરે છે.
ખેર, દૈવી ચમત્કારોની ઘટનાઓની હારમાળા વચ્ચે સુરતમાં પણ અનેક ઉપાસકો છે. ચારે તરફ નાના મોટા મંદિરોમાં રોજેરોજ પૂજા, આરતી વગેરે પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે. આ બધાની વચ્ચે સુરતના જ છેવાડાના ગણાતા સણિયા-હેમાદ વિસ્તારમાં આવલે ‘વિહતમાતાના મઢ’ના નામથી ઓળખાતા તીર્થસ્થળમાં અત્યાર સુધીમાં અનેક લોકોના જીવનમાં બદલાવ આવ્યા હશે. ટોચના રાજકારણથી માંડીને ટોચના ઉદ્યોગપતિઓ પણ અવારનવાર ‘વિહતમાતાના મઢ’માં માથું ટેકવતા જોવા મળે છે આ એવા લોકો છે. જેના જીવનમાં ચમત્કારીક બદલાવ આવ્યા હતા અને એટલે જ ‘વિહતમાતા’ના દર્શન કરવા, આશીર્વાદ મેળવવા નિત્યક્રમ બની ગયો છે. ઘણા એવા લોકો પણ છે કે જેઓ જીવનમાં ચારે તરફથી સમસ્યાઓથી ઘેરાઇ ગયા હોય એવા લોકોને પણ અહીંથી સમસ્યાઓના ઉકેલ થતા જોવા મળ્યા છે. ઘણા તો એવા કિસ્સા પણ છે. આર્થિક, સામાજિક, પરિવારીક રીતે કંટાળીને ‘આપઘાત’ કરવાનું વિચારી રહેલા લોકોના જીવનમાં સુખદ આશ્ચર્યના અનુભવો થયા છે.
MRS_4187MRS_4187
વિહતમાતાના મઢના અધિષ્‍ઠાતા સાહરબાપુનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. સાહરબાપુ માટે પોતાના કરતા ‘વિહતમાતા’નું વધારે મહત્વ છે. સાહરબાપુ હંમેશા કહેતા આવ્યા છે કે તેઓ કોઇ ચમત્કારિક ભુવો નથી તેઓ હંમેશા પોતાની જાતને માતાના સેવક ગણતા આવ્યા છે. તેઓ હંમેશા એક વાત કહે છે. માતાજીમાં શ્રધ્ધા રાખો માતાજી તમારા સંકટો દૂર કરીને જીવનને આસાન બનાવી દેશે. અહિંયા કોઇ દાન કે દ‌િક્ષણા આપવાની જરૂર નથી. માતાજીના મંદિરનાં દરવાજા તમામ માટે ખુલ્લા છે. ઊંચ, નીચ, ગરીબ કે તવંગરનો અહિંયા કોઇ જ પક્ષપાત નથી.
સાહરબાપુ એક ખૂબ સામાન્ય પરંતુ સંસ્કારી રબારી પરિવારમાંથી આવે છે. બનાસકાંઠાના હિંમતનગર નજીકના ખૂબ નાના એવા અને ગણતરીના ઘર ધરાવતા કાબોદ્રા નામના ગામમા જન્મેલા રબારી પરિવારના આ બાળક આઠ વર્ષનો હતો ત્યારથી માતાજી પ્રત્યે અનન્ય લગાવ હતો. લોકોને પણ આ બાળકના વાણી અને વહેવારમાં કોઇ દૈવીતત્વ હોવાનો અહેસાસ થતો હતો. મોટાભાઇ ઇશ્વરબાપુ પણ માતાજીના ભક્ત હતા અને એટલે જ આ વારસો કદાચ સાહરબાપુના જીવનમાં આવ્યો હશે.
આ તરફ સાહરબાપુ યુવાની તરફ આગળ વધતા ધંધા રોજગારની શોધમાં લગભગ ૧૯૯૯ના અરસામાં સુરત આવ્યા હતા. સુરતમાં ક્યાં કામ મળશે, ક્યાં ઉતરીશું એ કંઇ જ નક્કી નહોતું પરંતુ રબારી જીવ એટલે ખુલ્લામાં પણ જીવી લેવાનો વિશ્વાસ હતો. મોટાભાઇ ઇશ્વરબાપુએ ‘સાહર’ને સુરત રવાના કરતા પહેલા એક પાઘડી અને પતરાની પેટી આપી હતી અને  કહ્યું હતું કે આ ‘પાઘડી’માં માતાજી છે. આને ક્યાંય નીચે મૂકતા નહીં.
સાહરબાપુ માતાજીના ભરોસે પતરાની પેટીમાં પાઘડી મૂકીને અને પેટી માથા ઉપર મૂકીને સુરતના માર્ગે પ્રયાણ કર્યું હતું. સુરતમાં થોડા પરિચિત લોકો હોવાથી ઊભા રહેવાની જગ્યા મળી પણ કામ ધંધો નહોતો પરંતુ તપાસ કરતા કરતા સુરત મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડમાં આગ ઓલવવાવાળા ‘લાશ્કર’ની નોકરી મળી ગઇ અને સાથે રહેવાનું પણ મળી ગયું.
આ રીતે સુરતમાં જીવનક્રમ શરૂ થયો, આગ લાગે તો બંબા સાથે દોડવાનું અને નવરાશના સમયમાં માતાજીની આરાધના કરવાની, આ રીતે દિવસો પસાર થતા ગયા. સાહરબાપુની માતાજી પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિને કારણે ઘણા લોકો તેનાથી આકર્ષાયા અને સાહરબાપુએ દર્શાવેલા માર્ગે ચાલવાનું શરૂ કરતા ચમત્કારીક પરિણામો આવવા લાગ્યા. ફળશ્રુતિરૂપે સાહરબાપુનો ખૂબ મોટો શ્રધ્ધાળુઓનાે વર્ગ ઊભા થતો ગયો. આ શ્રધ્ધાળુઓમાં, બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, વેપારીઓ અધિકારીઓ અને સામાન્ય વર્ગના લોકો પણ જોડાતા ગયા. અલબત્ત, સાહરબાપુએ સેંકડો લોકોના જીવનના સંકટો દૂર કર્યા હશે. પ્રત્યેક ઘટનાનો અહિંયા ઉલ્લેખ કરવાનું શક્ય પણ નથી.
ખૂબ મોટો શ્રધ્ધાળુ વર્ગ બની જવાથી આખરે મજબૂરીવશ સાહરબાપુએ ફાયરબ્રિગેડની નોકરી છોડવી પડી અને લંબેહનુમાન રોડ ઉપરની એક સોસાયટીમાં માતાજીનું આસન જમાવીને બેસી ગયા. શ્રધ્ધાળુઓના સંકટો દૂર થતા ગયા તેમ તેમ લોકોની સંખ્યા પણ વધવા માંડી શ્રધ્ધાળુઓની સતત આવનજાવનથી પડોશીઓને પણ પરેશાની થવા માંડતા બાપુએ સોસાયટીના ઘરનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ જવું ક્યાં? પરંતુ માતાજીએ વિકલ્પ તૈયાર રાખ્યો હતો અને સણિયા-હેમાદ ગામના ખેતરોની વચ્ચોવચ્ચ આવેલી એક વિરાટ જગ્યા પસંદ કરવામાં આવી.
આજે અહિયા માતાજીનું એક વિરાટ મંદિર ઊભું છે રોજેરોજ સેંકડો લોકો માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા આવે છે અને લોકોની સમસ્યાનો ઉકેલ પણ આવે છે. આ મંદિર કહો કે માતાજીનો મઢ કહો કોણે અને ક્યારે નિર્માણ કર્યું કોણે કેટલો સહયોગ આપ્યો તેની ભાગ્ય જ કોઇને ખબર હશે પરંતુ એક આલીશાન અને અદ્યતન મહેલ કરતા પણ વિશાળ જગ્યામાં પથ્થરાયેલા વિહત જોગણીમાતાના મઢમાં વિશ્વાસ સાથે માથું ઝુકાવવા આવતા હરકોઇના દુઃખ, દર્દ, બીમારી, સમસ્યામાંથી લગભગ છુટકારો મળી જાય છે. મંદિરમાં દર્શન કરવા આવતા લોકો પાસેથી ફંડ ફાળો કે શ્રીફળ પણ ઉઘરાવવામાં આવતા નથી. સાહરબાપુ ઇચ્છે કે માતાજીના ચરણમાં આવનાર દરેક વ્યક્તિના જીવનમાં સા‌િત્વક બદલાવ આવવો જ જોઇએ તો મારી ભક્તિ ફળી ગણાશે.
હમણા બે દિવસ પહેલા જ માતાજીની જ્યોતના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી હતી સતત બે દિવસ ભંડારા સાથે માતાજીની આરતી, પૂજા, અર્ચના કરવામાં આવી હતી. માતાજીના પ્રાગટય દિવસની ઉજવણીમાં કોણ કોણ આવ્યું હતંુ એ કહેવાની જરૂર નથી છેવાડાના મજુરથી શરૂ કરીને ટોચના ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, સનદી અધિકારીઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.