અમેરિકામાં વધુ બે ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મહેસાણાના પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, સ્ટોરમાં ઘૂસી આરોપીએ પિતા અને પુત્રી પર ગોળીબાર કર્યો હતો. જેમાં બંનેના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી. મૃતક પિતા-પુત્રી મહેસાણાના કનોડા ગામના મૂળ વતની હતા. પટેલ પરિવારની 24 વર્ષીય પુત્રી અને 56 વર્ષીય પિતાની હત્યા કરી હતી.
હત્યા કરનાર આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન હાલમાં જેલમાં કેદ છે. હજુ પણ હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી. બીજી તરફ સ્ટોરના માલિક પટેશ પટેલે જણાવ્યું હતું કે પિતા-પુત્રી બંને અમારા પરિવારના સદસ્યો હતા. મારા પિતરાઈ ભાઈની પત્ની અને તેના પિતા સવારે સ્ટોર પર કામ કરી રહ્યાં હતાં ત્યારે એક શખસ સ્ટોરમાં ઘૂસ્યો હતો અને અચાનક જ ગોળીબાર કર્યો હતો. મને ખબર નથી પડતી કે શું કરવું.
મૃતકના કાકા ચંદુભાઈએ જણાવ્યું હતું કે મારા ભાઇનું અવસાન ઘણા સમય પહેલાં થયું છે. મારો ભત્રીજો પ્રદીપ, તેની પત્ની અને પુત્રી સાતેક વર્ષ અગાઉ વિઝિટર વિઝા પર અમેરિકા ગયાં હતાં અને બાદમાં ત્યાંજ સ્થાયી થઇ ગયા હતા. અમને આ દુર્ઘટનાની જાણ મીડિયા થકી થઇ હતી. અમારી જોડે અમેરિકાનો કોઇ કોન્ટેક નહોતો, પણ પ્રદીપની બીજી દીકરી કેનેડા રહે છે, અમે તેનો કોન્ટેક કરતાં તેણે અમને માહિતી આપી કે મારા પપ્પાની સ્ટોરમાં ગોળી મારીને હત્યા થઇ છે, હું ત્યાં ગઇ છું. પ્રદીપને ગોળી મારતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે એની દીકરીનું વેન્ટિલેટર પર સારવાર દરમિયાન મોત થયું છે
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર અશ્વેત શખસની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાવી છે. પોલીસે હત્યાનાં કારણો અંગે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જલદી જ હત્યાનું કારણ સામે આવશે.