દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા છે. સિસોદિયાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે સતત જેલમાં છે. સર્વોચ્ચ અદાલતે સિસોદિયાને 10 લાખના જામીન બોન્ડ પર જામીન આપ્યા છે. સિસોદિયાએ ED અને CBI કેસમાં 10-10 લાખ રૂપિયાના બોન્ડ ભરવા પડશે અને તે હવે જેલમાંથી બહાર આવશે.

ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મનીષને લાંબા સમય સુધી જેલમાં રખાયા છે. કોઈપણ પ્રકારની સજા વિના કોઈને આટલા લાંબા સમય સુધી જેલમાં રાખી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે મનીષ સિસોદિયાને નીચલી કોર્ટ પછી હાઈકોર્ટ જવા કહ્યું હતું અને તેના પછી જ સુપ્રીમ કોર્ટમાં આવવા કહ્યું હતું. તેમણે બંને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેના પછી મનીષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પહેલા આદેશ અનુસાર 6થી 8 મહિનાની મુદ્દત વીતી ગઈ છે. વિલંબના આધારે જામીનની વાત અમે ગત વર્ષે ઓક્ટોબરના આદેશમાં જ કહી દીધી હતી.
મનીષ સોસિદિયાની દિલ્હી લિકર પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર કરવાના આરોપમાં 26મી ફેબ્રુઆરી 2023માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ધરપકડ કરી હતી. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ સિસોદિયા પર ઘણા જુદા જુદા આરોપો હેઠળ કાર્યવાહી કરી હતી. સિસોદિયાએ 2023ની 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું. સિસોદિયાએ એમ કહીને જામીનની માંગણી કરી હતી કે તેઓ 17 મહિનાથી કસ્ટડીમાં છે અને તેમની સામેની સુનાવણી હજુ શરૂ થઈ નથી. ED અને CBIએ તેમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો :-