ગુજરાત હાઈકોર્ટએ અબ્દુલ રહેમાન શાહ નામના એક શખ્સને ઓનલાઇન સુનાવણી દરમિયાન ટોયલેટનો ઉપયોગ કરવાના કારણે ₹1 લાખનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. આ ઘટના 20 જૂનના રોજ બની હતી. વીડિયોમાં શરૂઆતમાં ‘સમદ બેટરી’ નામથી લોગ ઇન થયેલા આ વ્યક્તિનો ક્લોઝ-અપ વ્યૂ. તેના ગળામાં બ્લૂટૂથ ઇયરફોન લટકાવેલો હતો.
બાદમાં તેણે પોતાનો ફોન દૂર રાખ્યો જેમાં દેખાતું હતું કે તે ટોયલેટમાં બેઠો છે. આ પછી તે પોતાને સાફ કરે છે અને ટોયલેટમાંથી બહાર આવે છે. આ પછી તે થોડા સમય માટે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો અને પછી વીડિયોમાં ફરીથી દેખાયો. કોર્ટના રેકોર્ડ મુજબ તે વ્યક્તિ FIR રદ કરવાની માંગ કરતા કેસમાં પ્રતિવાદી તરીકે હાજર થઈ રહ્યો હતો. તે ફોજદારી કેસમાં ફરિયાદી હતો. હવે તેના ઉપર ગુજરાત હાઈકોર્ટે સખત કાર્યવાહી કરી છે અને તે વ્યક્તિને એક લાખ રૂપિયાનો દંડ ફટાકાર્યો છે.
હાઈકોર્ટે તે વ્યક્તિ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
એક વ્યક્તિ શૌચાલયમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયો હતો. હાઈકોર્ટે તે વ્યક્તિ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ વ્યક્તિની ઓળખ સમદ અબ્દુલ રહેમાન શાહ તરીકે થઈ છે. જસ્ટિસ એસ સુપેહિયા અને જસ્ટિસ આરટી વાછાણીની બેન્ચે તે વ્યક્તિને ઠપકો આપ્યો અને કહ્યું કે સમદ અબ્દુલ રહેમાન શાહનું વલણ અનાદરકારક હતું અને તેને જેલમાં મોકલવાનું પણ વિચારી રહી છે.
કોર્ટે કહ્યું કે લાઈવ-સ્ટ્રીમિંગ કાર્યવાહી દરમિયાન વ્યક્તિએ પોતાના વર્તન અંગે કબૂલાત કરી છે. તેથી અમે તેને આગામી સુનાવણીની તારીખ પહેલા આ કોર્ટની રજિસ્ટ્રીમાં રૂ.1 લાખ જમા કરાવવાનો નિર્દેશ આપીએ છીએ. કોર્ટે એમ પણ કહ્યું કે તેના આદેશ છતાં હાઈકોર્ટના રજિસ્ટ્રાર (માહિતી અને ટેકનોલોજી) એ કોઈ જવાબ દાખલ કર્યો નથી અને આવી ઘટનાઓને રોકવા માટે કોઈ સૂચન આપ્યું નથી.