Sunday, Jul 20, 2025

પાન કાર્ડ સાથે કરો આ ભૂલ તો ચૂકવવો પડી શકે છે 10,000 રૂપિયા સુધીનો દંડ

2 Min Read

દેશમાં આવકવેરાના નિયમ મુજબ પાન કાર્ડ અને આધાર કાર્ડ વગર કોઈપણ નાણાકીય કાર્ય પૂર્ણ કરવું શક્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે પાન અને આધારને લિંક કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઘણા લોકોએ હજુ પણ પોતાના પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું. આવા લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. આમ છતાં જે લોકો નાણાકીય વ્યવહારોમાં નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરી રહ્યા છે તેમને હવે આવકવેરા કાયદાની કલમ 272-B હેઠળ કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ કલમ હેઠળ આવા દરેક વ્યવહાર પર રૂપિયા 10,000 સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. સરકારે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે.

પાન-આધાર લિંક ફરજિયાત
આવકવેરા વિભાગ કહે છે કે જો કોઈ વ્યક્તિ ઉચ્ચ મૂલ્યના વ્યવહારોમાં, નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરે છે. તો તેના પર દરેક કિસ્સામાં અલગ દંડ લાદવામાં આવી શકે છે. આમાં બેંક ખાતું ખોલવા અથવા ચલાવવા, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા, મિલકત ખરીદવા, લોન માટે અરજી કરવા અને આવકવેરા રિટર્ન ભરવા જેવા વ્યવહારો પણ શામેલ છે.

પાન કેવી રીતે નિષ્ક્રિય થાય
જો તમે તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક ન કર્યું હોય તો તેને નિષ્ક્રિય જાહેર કરવામાં આવે છે. આવા પાન કાર્ડ હવે મોટાભાગના કર અને નાણાકીય હેતુઓ માટે અમાન્ય છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ આ નિષ્ક્રિય પાનનો ઉપયોગ નાણાકીય હેતુઓ માટે કરે છે, તો તેને કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવશે.

Share This Article