Wednesday, Dec 17, 2025

ગુજરાતમાં જંત્રીના દરોમાં મોટો વધારો, ટૂંક સમયમાં અમલની શક્યતા

4 Min Read

ગુજરાત સરકારે આવક વધારવા માટે જમીનની સૂચિત જંત્રી દરો જાહેર કર્યા હતા. જેના વિરોધ બાદ સરકારે જંત્રીના દર વધારા માટે સૂચનો મંગાવાની ફરજ પડી હતી. રાજ્યભરમાં વ્યાપક વિરોધને પગલે જંત્રીના દરો મોકૂફ રાખ્યા બાદ સુધારેલા જંત્રીના દરો જાન્યુઆરીમાં અમલમાં આવે તેવી શક્યતા છે. રાજ્ય સરકારે શરૂઆતમાં આ દરો બમણા કર્યા હતા, જેના કારણે તીવ્ર વિરોધ થયો હતો. સુધારેલા ફોર્મ્યુલા હેઠળ, જંત્રીના દરો હવે સમાન રહેશે નહીં, જેમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં અમુક શહેરી વિસ્તારો કરતાં વધુ મૂલ્યાંકન જોવા મળશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર જંત્રીના નવા દર બજેટ સત્ર પહેલા લાગુ કરવા આતુર છે. એકવાર અમલમાં આવ્યા પછી, જમીન અને મિલકતના ભાવોમાં વધારો થવાની ધારણા છે. લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતાએ પહેલેથી જ રિયલ એસ્ટેટ ક્ષેત્રને નુકસાન પહોંચાડ્યું છે. અનકે ડેવલપર્સ નવા દર જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તેમણે કેટલાક પ્રોજેક્ટ સ્થગિત રાખ્યા છે. ઉદ્યોગ સંગઠનોએ સરકારને ઝડપી નિર્ણય લેવા વિનંતી કરી છે.

નવા જંત્રી માળખામાં બાંધકામના પ્રકારોની વધુ સ્પષ્ટ વ્યાખ્યાઓ પણ રજૂ કરવામાં આવશે, જેમાં ખુલ્લા પ્લોટ્સ, આર.સી.સી. સ્ટ્રક્ચર્સ, ભાર-વહન સ્ટ્રક્ચર્સ, આર.સી.સી. અને ટીન-રૂફ ઔદ્યોગિક શેડ્સનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની હદો ઉપરાંત, શહેરી વિકાસ સત્તામંડળો, નગરપાલિકાઓ અને અન્ય સૂચિત ઝોન હેઠળના વિસ્તારોને પણ સુધારેલા દરોમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આ શહેરી હદોની બહારના પ્રદેશો તરીકે વ્યાખ્યાયિત ગ્રામીણ વિસ્તારો પણ આવરી લેવામાં આવશે.

બાંધકામના દરો શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં અલગ-અલગ હશે. જૂના મકાનો માટે, મૂલ્યાંકન કુલ બજાર મૂલ્ય, કાર્પેટ એરિયા, બિલ્ટ-અપ એરિયા, બેઝમેન્ટ્સ અને વ્યક્તિગત માળ જેવા પરિબળોના આધારે અલગ-અલગ હશે. ગુજરાત રાજ્યમાં સુધારેલી જંત્રીમાં વ્યાપારી ઉપયોગ માટેના મૂલ્ય ઝોન, મિલકતોની આસપાસની ખાલી જમીન, કાર પાર્કિંગ વિસ્તારો, બિન-ખેતી ઉપયોગ માટે રૂપાંતરિત ખેતીની જમીન અને ગ્રામીણ વિસ્તારોમાં મંદિરો, ધર્મશાળાઓ અને હોસ્ટેલ સહિતની શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના બજાર દરો પણ આવરી લેવામાં આવશે.

જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુત્તમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે. તે એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.

Share This Article