Thursday, Oct 23, 2025

મહાકુંભમાં નાસભાગને કારણે થયેલા મોત પર રડી પડ્યા મહામંડલેશ્વર, જાણો શું કહ્યું ?

3 Min Read

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર આયોજિત વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં બુધવારે સવારે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 20 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરીએ આ ઘટના બાદ કહ્યું કે, જેટલી ભીડ હતી, તેને પોલીસ સંભાળી શકી નથી. આ પોલીસનું કામ નથી, કે સંભાળી શકે. સેનાને હવાલે મહાકુંભ કરી દેવો જોઈએ. તેમણે કહ્યું કે, સંતોએ શરુઆતથી જ આ મેળાને સેનાના હવાલે કરવાની માગ કરી હતી.

નાસભાગની વાત કરતા પંચાયતી અખાડાના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી મહારાજ અચાનક રડવા લાગ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે પહેલા જ કહ્યું હતું કે અમે પહેલા પણ કહ્યું હતું કે કુંભની સુરક્ષાને સેનાના હવાલે કરી દેવામાં આવે પણ કોઈએ અમારી વાત માની નહીં. આટલી જનતા આવ્યા બાદ પોલીસ આ ભીડ સંભાળી શકે તે ગજું નથી. મેં અખાડામાં પોતાના સાથીઓને કહીને આવ્યો છે કે, તમે લોકો અહીંથી એવી જાહેરાત ન કરતા કે આ બધું થયું છે. તમે ધીમે ધીમે ભક્તોને પોતાના કેમ્પ તરફ પાછા વળવાનું કહી દો. કારણ કે તેનાથી ત્યાં ભાગદોડ મચવાની આશંકા છે. જો કુંભ મેળો સેનાના હવાલે કર્યો હોત મને નથી લાગતું કે આટલી મોટી દુર્ઘટના થાત.

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રાજેન્દ્ર પૂરીએ જણાવ્યું હતું કે આ ઘટનાથી અમને પણ ઘણો આઘાત લાગ્યો છે. અમારી સાથે હજારો ભક્તો હતા. અમે જનહિતમાં એવો નિર્ણય લીધો છે કે આજે અખાડાઓ સ્નાનમાં ભાગ લેશે નહીં. હું લોકોને અપીલ કરું છું કે તેઓ આના બદલે વસંત પંચમી પર સ્નાન કરવા આવે. કરોડો લોકોને હેન્ડલ કરવા સરળ નથી સહુએ અધિકારીઓને સહકાર આપવો જોઈએ.

માહિતી અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, ‘મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઈ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઈ રહ્યું છે.’

આ પણ વાંચો :-

Share This Article