ગુજરાતના ઉત્તર ભાગના મુસાફરો માટે રેલવેની નવી સુવિધા, વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ અને બેચરાજી બહુચર માતાના ભક્તોને મળશે લાભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રેલવે મુસાફરોને બે નવી ટ્રેન સેવાઓની ભેટ આપી છે. તેમણે અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી MEMU ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ બંને ટ્રેન સેવાઓથી ગુજરાત અને ઉત્તર ભારત વચ્ચેની રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને વેપારીઓને નવી સુવિધાનો લાભ મળશે.
દિવસમાં બે વખત મળશે ટ્રેન સેવા
આ રૂટ પર મુસાફરોની સુવિધા માટે દરરોજ બે જોડી MEMU ટ્રેન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સવાર અને સાંજના સમયમાં ટ્રેન ઉપલબ્ધ થવાથી નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને અવરજવરમાં સરળતા રહેશે.
સાબરમતીથી સવારે 6:40 વાગ્યે ઉપડતી ટ્રેન સવારે 8:05 વાગ્યે બેચરાજી અને 9:45 વાગ્યે મહેસાણા પહોંચશે. જ્યારે મહેસાણાથી સાંજે 4:40 વાગ્યે ઉપડતી ટ્રેન 5:49 વાગ્યે બેચરાજી અને રાત્રે 8:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
બીજી તરફ, સાબરમતીથી સાંજે 5:05 વાગ્યે ઉપડતી ટ્રેન રાત્રે 6:48 વાગ્યે બેચરાજી અને 8:25 વાગ્યે મહેસાણા પહોંચશે. જ્યારે મહેસાણાથી સવારે 7:05 વાગ્યે ઉપડતી ટ્રેન 7:50 વાગ્યે બેચરાજી અને 10:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
બહુચર માતાના ભક્તોને પણ મળશે લાભ
મહેસાણા જિલ્લાના બેચરાજીમાં આવેલું પ્રસિદ્ધ બહુચર માતાનું મંદિર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. નવી MEMU ટ્રેન શરૂ થવાથી અમદાવાદ, સાબરમતી, કલોલ અને આસપાસના વિસ્તારોમાંથી બેચરાજી દર્શન માટે જતા ભક્તોને સરળ રેલવે સુવિધા મળશે.
આ ઉપરાંત બેચરાજી ઔદ્યોગિક વિસ્તાર સાથે જોડાયેલા કર્મચારીઓ, સ્થાનિક વેપારીઓ અને આસપાસનાં ગામોના રહેવાસીઓને પણ આ ટ્રેનનો લાભ મળશે. ઉત્તર ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટી મજબૂત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.








