લોકસભામાં ચૂંટણી સુધારા પર વિશેષ ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે RSS પર તીખા પ્રહાર કરતા કહ્યું કે સમાનતાની ભાવનાથી RSSને સમસ્યા છે અને તેણે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરી લીધો છે. જોકે, આ વાત પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને અટકાવ્યા અને ચર્ચાના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. સ્પીકરે કહ્યું, “વિપક્ષના નેતા (LOP) હોવાનો અર્થ એ નથી કે તમે કંઈપણ બોલી શકો છો. તમારે ચૂંટણી સુધારા પર જ ચર્ચા કરવી જોઈએ.”
ચર્ચાની શરૂઆતમાં રાહુલ ગાંધીએ ખાદીનો ઉલ્લેખ કરીને દેશની વિવિધતાનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે આપણો દેશ એક કાપડ જેવો છે, જે અનેક દોરાઓથી બનેલો છે. જેમ કાપડમાં દરેક દોરો મહત્વપૂર્ણ હોય છે, તેમ દેશમાં પણ તમામ લોકો અને પાસાઓ સમાન અને મહત્વપૂર્ણ છે. દેશનો પહેરવેશ તેની વિવિધતા અને સમાનતાની ઝલક છે.
રાહુલ ગાંધીએ RSSનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું
જોકે, જ્યારે રાહુલ ગાંધીએ RSSનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું ત્યારે સ્પીકરને તેમને ટોકવું પડ્યું. આનાથી સંસદમાં હોબાળો મચી ગયો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ વિરોધ વ્યક્ત કરતા કહ્યું, “અમે અહીં સાંભળવા માટે જ છીએ, પરંતુ તેમણે ચૂંટણી સુધારા પર જ વાત કરવી જોઈએ. તેઓ વિષય પર અટકી રહેતા નથી.” રિજિજુએ વધુમાં ઉમેર્યું કે સરકાર ચૂંટણી સુધારા માટે તૈયાર છે અને આ વિષય પર રચનાત્મક ચર્ચા કરવા માગે છે.