Friday, Nov 7, 2025

100 કરોડની જમીન 15 કરોડમાં! જમીન સોદાના નામે 12 કરોડની છેતરપિંડી, 3 ઠગોની ધરપકડ

2 Min Read

સુરતમાં સરકારી જમીનની ફાળવણીના નામે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક વેપારીને રૂ. 100 કરોડની કિંમતની સરકારી જમીન માત્ર રૂ. ૧૫ કરોડમાં અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી રૂ. 12 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ ગંભીર મામલે સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાએ છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઠગ ટોળકીએ વિશ્વાસ કેળવવા માટે સરકારી વિભાગો અને એક મંત્રીના પીએના નામના બોગસ લેટરપેડ નો ઉપયોગ કર્યો હતો.

છેતરપિંડી કરનારા આરોપીઓએ ફરિયાદી વેપારીનો વિશ્વાસ જીતવા માટે સુરત અને ગાંધીનગરની સરકારી કચેરીઓના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમણે વેપારીને ખાતરી આપી હતી કે તેઓ મહેસૂલ વિભાગથી લઈને શહેરી વિકાસ વિભાગ સુધીની તમામ સરકારી પ્રક્રિયાઓ પૂરી કરાવી દેશે અને આ પ્રક્રિયા પેટે રૂ. 15 કરોડમાં જમીન વેપારીના નામે થઈ જશે. આ ખોટા ભરોસાના આધારે વેપારીએ તબક્કાવાર કુલ રૂ. 12 કરોડ રૂપિયા આરોપીઓને ચૂકવી દીધા હતા. જોકે, લાંબા સમય સુધી જમીનનો કરાર આગળ ન વધ્યો અને કોઈપણ સરકારી અધિકારીનો સંપર્ક ન થતાં વેપારીને શંકા ગઈ હતી. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે રજૂ કરાયેલા તમામ લેટરપેડ અને દસ્તાવેજો સંપૂર્ણપણે નકલી અને બનાવટી હતા.

સુરત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ડીસીપી કરણરાજ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં રતન સિંહ ઠાકોર, સંગ્રામ સિંહ અને સંજય સિંહ ઠાકોરનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ ગાંધીનગરના દહેગામ ગામના રહેવાસી છે અને એકબીજાના સગાં-સંબંધી છે. જોકે, અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે છેતરપિંડી કરીને મેળવેલા રૂ. ૧૨ કરોડ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાંની સંડોવણી છે કે કેમ.

Share This Article