કચ્છમાં ભચાઉ પોલીસ પર થાર કાર ચડાવી દેવાના પ્રયાસ મામલે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. ભચાઉ પોલીસ પર બુટલેગર દ્વારા જે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો તેમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ સવાર હતી. તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ નીચલી કોર્ટમાંથી જામીન પર છુટકારો થયો હતો. જો કે, આ આદેશની સામે પોલીસે સેશન્સ કોર્ટમાં અરજી કરતા સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા છે. પોલીસ હવે ફરી નીતા ચૌધરીની અટકાયત કરશે.
કચ્છના ભચાઉમાં 30 જૂનના પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા થાર પોલીસ પર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર સાથે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં બુટલેગરના રિમાન્ડ મંજૂર થયા હતા.
લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ભચાઉની નીચલી અદાલતે સ્ત્રી હોવા સહિતના મુદ્દે જામીન મંજૂર કર્યા હતા. આ આદેશ સામે પોલીસે ભચાઉની સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેની ગઈકાલે થયેલી સુનાવણી બાદ આજે લેડી કોન્સ્ટેબલને પહેલાં મળેલા જામીન રદ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે. આદેશના પગલે હવે ફરી લેડી કોન્સ્ટેબલની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે
ભચાઉ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ અનુસાર, ચાર દિવસ પહેલાં રાત્રિના અરસામાં મોટી ચીરઈ ગામનો ૩૦ વર્ષીય બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા કે જેના વિરુદ્ધ ૧૬ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. એમાં ૪ ગુના કામે તેને પકડવાનો બાકી હોઈ એલસીબી અને ભચાઉ પોલીસની ટીમ આરોપીને પકડવા પ્રયત્નમાં હતી. એ દરમિયાન એલસીબીએ ભચાઉ પોલીસને વાકેફ કરી હતી અને આરોપી સફેદ કલરની કાર સાથે સામખિયાળી બાજુથી ગાંધીધામ તરફ જતો હોવાની બાતમી મળી હોવાનું કહ્યું હતું.
ભચાઉ પોલીસે ધોરીમાર્ગ પરના ચોપડવાબ્રિજ પાસે આરોપીને પકડવા વોચ ગોઠવી હતી. આ દરમિયાન સફેદ થાર આવતી દેખાતાં તેને હાથ અને લાકડી વડે પોલીસે રોકાવી હતી, પરંતુ કાર ઊભી રહેવાના બદલે ફરજ પર રહેલી પોલીસ ઉપર ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે કારમાં સવાર યુવરાજસિંહ અને ગાંધીધામ સીઆઇડી ક્રાઇમની ૩૪ વર્ષીય લેડી કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરીને ઝડપી પાડી બંને સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. થારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો.
આ પણ વાંચો :-