ગુજરાતના ધોરીમાર્ગો પર અકસ્માતોની શ્રેણી અટકવાનું નામ લેતી નથી. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત બન્યો છે. લખતરના ભાસ્કરપરા ગામ નજીક બેફામ ગતિએ દોડતા ડમ્પરે પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા, જ્યારે અંદાજે 4થી વધુ યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
લખતર-વિરમગામ હાઈવે પર છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે આ ભયાનક અકસ્માત બન્યો હતો. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓનો સંઘ પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા. આ ઘટનાથી હાઈવે પર ચીસો અને રડારડનો માહોલ સર્જાઈ ગયો હતો.
આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના જીવ ગયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા, જે ધાર્મિક યાત્રા માટે રાજકોટથી નીકળ્યા હતા. આજે સવારે મંદિરે ધજા ચડાવવાની હતી, પરંતુ તે પહેલાં જ આ ગોઝારી દુર્ઘટનાએ આખા પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ડમ્પરે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માતની તીવ્રતા એટલી ગંભીર હતી કે પદયાત્રીઓના શરીરો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસમાતની જાણ થતા ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મૃતદેહોને ટ્રેક્ટરની ટ્રોલી દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં ગેડીયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય પી.કે. પરમાર સહિતના સમાજના આગેવાનો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર ભરવાડ સમાજમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.