Friday, Oct 24, 2025

મહાકુંભમાં લાખો ભક્તોનો ધસારો, 20 કિલોમીટર સુધી ચક્કાજામ

3 Min Read

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ધસારો અસાધારણ રીતે વધવાથી ઠેર-ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેને પગલે મહાકુંભ મેળા તરફ આગળ વધતા વાહનોએ 200થી 300 કિ.મી. દૂરથી જ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. પ્રયાગરાજ તરફ જતા બધા જ નેશનલ હાઈવે પર ટ્રાફિક એટલો વધી ગયો કે વાહનોને મધ્ય પ્રદેશમાં રોકવામાં આવી રહ્યા છે. રાયબરેલી, કૌશાંબી, વારાણસી, જૌનપુર અને કાનપુરના તમામ હાઈવે પર ગાડીઓ જ દેખાઈ રહી હતી અને દૂર-દૂરથી આવેલા મુસાફરોને કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યાં પોતાની ગાડીઓમાં ‘કેદ’ રહેવાની ફરજ પડી છે.

સ્થાનિક લોકો જણાવ્યું કે મહાકુંભમાં સ્નાન સરળ હતું પરંતુ રસ્તામાં ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. દર 10 કિમીએ ચક્કાજામની સ્થિતિ હતી. છતાં મહાકુંભ સ્નાન માટે આ કોઈ મોટી વાત નથી. તેવી જ રીતે ઝારખંડના દેવઘરથી આવેલા એક વ્યક્તિએ કહ્યું કે, સીએમ યોગીએ સારી વ્યવસ્થા કરી છે, અમારે થોડો ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો, પરંતુ આ એટલો મોટો મુદ્દો નથી. સ્નાન સારી રીતે ચાલી રહ્યું છે, સ્થિતિ નિયંત્રણમાં છે.

સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે તેમના વાહનો ઠપ્પ થઈ ગયા છે જેના કારણે તેમને મુસાફરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છે કે ટેન્કર અહીં પહોંચી શકતા નથી કારણ કે તેઓ રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે. સમસ્યા ફક્ત પેટ્રોલ અને ડીઝલ પૂરતી મર્યાદિત નથી, હવે કાચા માલની પણ અછત છે.

દિલ્હીથી મહાકુંભમાં આવેલી પૂજાએ જણાવ્યું કે, અમે શનિવારે રાત્રે 9:00 વાગ્યે નીકળ્યા હતા. રસ્તામાં ઠેર-ઠેર એટલો બધો ટ્રાફિક જામ હતો કે અમને રવિવારે સાંજે 4 વાગ્યે પ્રયાગરાજમાં એન્ટ્રી મળી. ત્યારબાદ પાર્કિંગ માટે કલાકો સુધી ભટકવું પડ્યું. આમાં જ રાતના 12:00 વાગી ગયા. આખરે સવારે 4:00 વાગ્યે ઘાટ પર પહોંચ્યા અને સવારે 7:00 વાગ્યા પછી આસ્થાની ડૂબકી લગાવી. અમે લગભગ 5 કિ.મી. ચાલીને મેટાડોર કરી અને પછી ઘાટ પર પહોંચ્યા જેમાં લગભગ ૩ કલાક લાગ્યા. કારણ કે ખૂબ જ ભીડ હતી. જોકે, સ્નાન કરી લીધું તેથી મનમાં સંતોષ છે.

મધ્યપ્રદેશના રીવાથી આવતા રસ્તાઓ સંપૂર્ણપણે ભરેલા છે. લગભગ 20 કિલોમીટર સુધી રસ્તો બ્લોક છે. મુંબઈ અને મધ્યપ્રદેશથી પણ ટ્રેનો આ રૂટ પરથી આવી રહી છે. મહારાષ્ટ્રના અમરાવતીથી આવેલી દીક્ષા સાહુ કહે છે, અમે છેલ્લા 49 કલાકથી ટ્રાફિક જામ વચ્ચે ચાલી રહ્યા છીએ. જોકે અમે વ્યવસ્થા કરનારાઓના આભારી રહીશું, પરંતુ ઘણા બધા લોકો આવતા હોવાથી વ્યવસ્થા મેનેજ કરવી મુશ્કેલ બની રહ્યું છે.

હૈદરાબાદથી આવેલા બે લોકો તેમની કારમાં બેઠા હતા અને જામ દૂર થવાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ કહે છે, અમે 36 કલાકથી જામમાં ફસાયેલા છીએ. દર 30 કિલોમીટરે વાહનો રોકવામાં આવી રહ્યાં છે. એટાથી આવેલા અમિત કુમાર કહે છે કે, અમે છેલ્લા 6 કલાકથી નૈની પુલ પાસે અટવાયેલા છીએ. મેં વિચાર્યું કે હું સવારે 5 વાગ્યે સંગમમાં સ્નાન કરીશ. પણ, હવે 9 વાગ્યા છે અને આપણે મેળામાં પહોંચ્યા પણ નથી.

Share This Article