દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. કેજરીવાલે આજે, ગુરુવારે (28 ઓગસ્ટ) દાવો કર્યો હતો કે અમેરિકાથી ભારતમાં આવતા કપાસ પર મોદી સરકારે ડ્યૂટી હટાવી દીધી છે. અગાઉ 11 ટકા ડ્યૂટી હતી. અમેરિકાથી આવતા ચોક્કસ પ્રકારના કપાસ ઉપર છેલ્લા ઘણા સમયથી ડ્યૂટી હટાવી દેવામાં આવેલી હતી જેની મુદત સમાપ્ત થઈ રહી હોવાથી સરકારે આજે જ એ મુદત ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજીને કેજરીવાલે કહ્યું કે, “અમેરિકાએ આપણા પર ટેરિફ લગાવ્યો, આપણે કપાસ ઉપર 50 ટકા ટેરિફ લગાવવો જોઈએ હતો. પરંતુ આપણે એવું ન કર્યું.” તેમણે કહ્યું, “ખેડૂતો સાથે આ દગો છે. જ્યારે ઓક્ટોબરમાં આપણા ખેડૂતોનો કપાસ મંડીમાં આવશે, ત્યારે તેમને નજીવા ભાવે વેચવો પડશે. આનાથી ગુજરાત, પંજાબ, વિદર્ભ, તેલંગાણાના ખેડૂતોને અસર થશે.”
કેજરીવાલે કહ્યું, ‘અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદ્યો છે. તેના જવાબમાં ભારતે અમેરિકા પર 100% ટેરિફ લાદવો જોઈતો હતો, પરંતુ પીએમ મોદી અમેરિકન વસ્તુઓને ટેક્સ ફ્રી બનાવી રહ્યા છે. આ નિર્ણય ભારતીય ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કરશે.’
કેજરીવાલે કહ્યું- AAP ગુજરાતમાં કપાસના ખેડૂતો માટે બેઠક કરશે કેજરીવાલે કહ્યું , ‘મોદીજી અદાણીને બચાવવા માટે દેશને દાવ પર લગાવી રહ્યા છે. આજે આખો દેશ જાણવા માગે છે કે તમે (પીએમ મોદી) અમેરિકા સામે કેમ ઝૂકી રહ્યા છો? આજે લોકો કહી રહ્યા છે કે તમે અદાણીને અમેરિકામાં ધરપકડથી બચાવવા માટે દેશને દાવ પર લગાવી રહ્યા છો. જો આ સાચું હોય તો તે દેશ સાથે મોટો વિશ્વાસઘાત છે.’
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે આમ આદમી પાર્ટી 7 સપ્ટેમ્બરે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ખેડૂતોના સમર્થનમાં એક સભા કરશે. તેમણે કહ્યું, ‘ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં કપાસ ઉગાડતા ખેડૂતોની સંખ્યા સૌથી વધુ છે. હું તમામ રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનોને કહેવા માગુ છું કે આ ગરીબ ખેડૂતોને બચાવવા માટે આપણે સાથે ઉભા રહેવું પડશે.’
સરકારે કપાસ પરની આયાત ડ્યુટી ફ્રી ડિસેમ્બર સુધી લંબાવી બીજી તરફ, કેન્દ્ર સરકારે ગુરુવારે યુએસ કપાસ પર 11% આયાત ડ્યુટીમાંથી છુટનો સમયગાળો 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી. નાણા મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર, સ્થાનિક કાપડ ઉદ્યોગ પાસે કપાસનો પૂરતો સ્ટોક રહે તે સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભારતીય કાપડ ઉદ્યોગ માટે કપાસની ઉપલબ્ધતા વધારવા માટે કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી કપાસ પરની આયાત ડ્યુટીમાં કામચલાઉ છુટ આપી હતી. નિકાસકારોને વધુ ટેકો આપવા માટે કેન્દ્ર સરકારે કપાસ પરની આયાત ડ્યુટી છુટ 30 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.