કર્ણાટકના હંગલ ગેંગરેપ કેસના આરોપીઓની જામીન અપાયા બાદ થોડા કલાકમાં જ ફરી ધરપકડ કરી લેવામાં આવી છે. વાસ્તવમાં આ આરોપીઓએ જામીન મળ્યા બાદ જેલથી ઘર સુધી રેલી સ્વરૂપે ઉજવણી કરી હતી. ગેંગરેપના 7 આરોપીઓ આફતાબ, મદાર, સમીવુલ્લા, મોહમ્મદ સાદિક, શોએબ મુલ્લા, તૌસીફ ચોટી અને રિયાઝને તાજેતરમાં જામીન મળ્યા હતા.
ગત 20 મે, 2025ના રોજ કોર્ટે 7 આરોપીઓને જામીન આપ્યા હતા. જામીન મળ્યા બાદ આરોપીઓએ ઉજવણી કરતાં એક રોડ શો યોજ્યો, જેનાથી વિસ્તારમાં હોબાળો મચી ગયો. હાવેરીના પોલીસ અધિક્ષક (SP) અંશુ કુમારે જણાવ્યું કે આરોપીઓએ જામીન મળ્યા પછી અક્કી અલૂર ગામમાં કાર અને બાઇકો સાથે જુલૂસ કાઢ્યું અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો. આ હરકતથી લોકોમાં ગુસ્સો ભભૂકી ઊઠ્યો, જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસે હંગલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 189/2, 191/2, 281, 351/2, 351/3 અને 190 હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ફરી ધરપકડ કરી લીધી છે અને તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે આ આરોપીઓના જામીન રદ કરવા માટે અરજી દાખલ કરવાની વાત પણ કરી છે. SP અંશુ કુમારે કહ્યું, “2024ના હંગલ ગેંગરેપ કેસમાં 7 આરોપીઓને 20 મેના રોજ જામીન મળ્યા હતા. ઉપજેલમાંથી અક્કી અલૂર આવતી વખતે તેમણે ઉપદ્રવ મચાવ્યો અને ઉજવણી કરતાં રેલી કાઢી. તેમણે એક વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વાત પોલીસના ધ્યાનમાં આવી. અમે હંગલ પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં જામીન રદ કરવા માટે અરજી કરીશું.”
ગેંગરેપનો આ કેસ જાન્યુઆરી 2024નો છે, જ્યારે હંગલમાં એક 26 વર્ષની મહિલા સાથે ગેંગરેપ થયો હતો. પીડિતા તેના પાર્ટનર સાથે એક હોટેલમાં રોકાયેલી હતી. આરોપ છે કે 7 લોકો -આફતાબ, મદાર, સમીવુલ્લા, મોહમ્મદ સાદિક, શોએબ મુલ્લા, તૌસીફ ચોટી અને રિયાઝે હોટેલમાં ઘૂસીને બંને પર હુમલો કર્યો. મહિલાને બળજબરીથી જંગલમાં લઈ જઈને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. શરૂઆતમાં આ ઘટનાને મોરલ પોલીસિંગનો મામલો ગણવામાં આવ્યો હતો, પરંતુ પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યા બાદ ગેંગરેપની કલમો ઉમેરવામાં આવી. આ કેસમાં કુલ 19 લોકોની ધરપકડ થઈ હતી, જેમાંથી 12ને અગાઉ જામીન મળી ચૂક્યા હતા.