કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સતીશ કૃષ્ણ સૈલના ઘરે અને તેમનાં સ્થાનો પર EDએ દરોડા પાડ્યા છએ, જેમાં બેહિસાબ સંપત્તિઓ મળી છે. EDએ 1.7 કરોડ રૂપિયા અને 6.8 કિલો સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત આશરે સાત કરોડ રૂપિયા થાય છે. કૃષ્ણ સૈલ કારવાર–અંકોલા બેઠકથી ધારાસભ્ય છે.
EDએ 13 અને 14 ઓગસ્ટે સૈલના કારવાર, ગોવા, મુંબઈ અને નવી દિલ્હીમાં આવેલાં ઘર તથા અનેક ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા. તપાસ એજન્સીએ ધારાસભ્યના બેંક ખાતાઓમાં રહેલા 14 કરોડથી વધુની રકમને પણ ફ્રીઝ કરી દીધી છે.
EDએ X પર પોસ્ટ કરીને માહિતી આપી કે આ દરોડા દરમ્યાન અનેક દસ્તાવેજો, ઈ-મેઈલ્સ અને રેકોર્ડ્સ મળ્યા છે. ધારાસભ્યના ઘરે રહેલા કેટલાંક લોકર્સને ફ્રીઝ કરવામાં આવ્યાં અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
આ દરોડા દરમ્યાન ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો ઘરે હાજર નહોતા. ધારાસભ્ય સાથે જોડાયેલા કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જે અન્ય સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા, તેમાં આશાપુરા માઇનકેમ, શ્રી લાલ મહલ, સ્વસ્તિક સ્ટીલ્સ (હોસપેટ), આઈએલસી ઇન્ડસ્ટ્રીઝ, શ્રી લક્ષ્મી વેંકટેશ્વર મિનરલ્સનો સમાવેશ થાય છે. કેન્દ્રિય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાંસદો અને ધારાસભ્યોની વિશેષ અદાલતે શ્રી મલ્લિકાર્જુન શિપિંગ પ્રાઈવેટ લિમિટેડે અન્ય લોકો સાથે મળીને આયર્ન ઓરનો પાઉડરની ગેરકાયદે નિકાસ માટે સૈલ સહિત તમામ આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા.