અમદાવાદમાં વિનોદ ઈન્ડસ્ટ્રીઝની કંપનીમાં IT વિભાગે દરોડા પાડ્યા છે. આ કામગીરીમાીં કરોડોની રોકડ મળી આવી હોવાનું સામે આવી રહ્યું છે. વિનોદ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી કંપનીમાંથી લાખોની કેશ પણ મળી આવી છે. ત્યારે વિનોદ મિત્તલના ઘરે આજે પણ સર્ચની કામગીરી ચાલુ છે.
મંગળવાર સાંજથી ચાલી રહેલી આ કાર્યવાહીમાં તપાસનો દાયદો વધતા IT અધિકારીઓ ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન 250 જેટલા અધિકારીઓ દ્વારા અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે, તો લગભગ 50થી વધુ સ્થળોએ IT વિભાગની ટીમો દ્વારા સર્ચની કાર્યવાહી ચાલી રહી છે. આ સર્ચની કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી ટ્રાન્ઝેક્શન અને રોડોની બિનહિસાબી આવકનો પર્દાફાશ થઈ શકે છે.
સર્ચની કાર્યવાહી દરમિયાન અમદાવાદના સેટેલાઇટ, નારોલ, પીરાણા, સૈજપુર અને પીપળજ સહિતના વિસ્તારોમાં આવેલા વિનોદ ગ્રુપના ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે શરૂ થયેલા આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની ટીમો પણ સામેલ છે. આ તપાસની પગલે શહેરના ટેકસટાઇલ સર્કલના ખળભળાટ મચી ગયો છે.
લિસ્ટેડ કંપની વિનોદ ડેનિમ લિમિટેડની કોર્પોરેટ ઓફિસ સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી છે અને પીપળજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં તેની મુખ્ય ફેક્ટરી આવેલી છે. આ સિવાય અમદાવાદમાં ચાર વધારાના યુનિટ્સ પણ છે. કંપની 25થી વધુ દેશોમાં ડેનિમની નિકાસ કરે છે. માહિતી પ્રમાણે, ચાલુ તપાસમાં બિનહિસાબી રોકડ અને દસ્તાવેજો સહિતની ગડબડ સામે આવી શકે છે.