ISROએ લોન્ચ કર્યું ૨૧મી સદીનું પુષ્પક વિમાન, જાણો તેની વિશેષતા

Share this story

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ૨૨ માર્ચના દિવશે વહેલી સવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં ‘પુષ્પક’ વિમાન સફળતાપૂર્વક લેન્ડ કર્યું. ISROનું પુનઃઉપયોગ કરી શકાય તેવું પ્રક્ષેપણ વ્હીકલ ‘પુષ્પક’ શુક્રવારે સવારે લગભગ ૭:૧૦ વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં સફળતાપૂર્વક રનવે પર આપમેળે ઉતર્યું હતું. પુનઃઉપયોગ કરી શકાય તેવા આ પ્રક્ષેપણ વ્હીકલના સફળ ઉતરાણ પર, ISROએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ISROએ પુનઃઉપયોગ કરી શકાય તેવા લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીના મામલે મોટી સફળતા હાંસલ કરી છે.

ISROએ કહ્યું કે, RLV LEX-૦૨ લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR)માં સવારે ૦૭:૧૦ વાગ્યે કરવામાં આવ્યું હતું. વિન્ગ્ડ પુષ્પક (RLV-TD) નજીવી ઉંચાઈથી પ્રક્ષેપિત થયા બાદ સફળતાપૂર્વક ચોકસાઈ સાથે રનવે પર ઉતર્યું. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આ રોકેટને આકાશમાંથી છોડવામાં આવ્યું હતું.

ઈસરોના ચીફ એસ. સોમનાથે કહ્યું કે,  ભારતના અવકાશ મિશનને આર્થિક રીતે સસ્તું બનાવવા માટે પ્રક્ષેપણ વ્હીકલ પુષ્પકને ભારતમાં બનાવવું એ એક મોટું અને પડકારજનક પગલું હતું. સૌથી મોંઘા ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ લોન્ચ વ્હીકલમાં જ હોય ​​છે. આવી સ્થિતિમાં, ફરીથી વાપરી શકાય તેવું પ્રક્ષેપણ વાહન બનાવીને, આ વ્હીકલ મિશનની સફળતા પછી પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછું ઉતરાણ કરી શકાશે અને તે જ પ્રક્ષેપણ વ્હીકલને આગામી મિશનમાં ફરીથી ઉપયોગમાં લઈ શકાશે. અંતરીક્ષમાં કચરો ઘટાડવાની દિશામાં પણ આ એક મહત્વપૂર્ણ પગલું છે.

પુષ્પકને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં ઘણા વર્ષો લાગશે. રોકેટને રામાયણમાં ઉલ્લેખિત પુષ્પક વિમાન પરથી પુષ્પક નામ મળ્યું. પુષ્પક વિમાન ધનના દેવતા કુબેરનું વાહન હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું હતું કે, પુષ્પક પ્રક્ષેપણ વાહન એ ભારતના અવકાશ મિશનને આર્થિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ સ્પેસ શટલને તૈયાર કરવાનું કામ ૧૦ વર્ષ પહેલા શરૂ થયું હતું. એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની ટીમે આના પર રાત-દિવસ કામ કર્યું છે.

આ પણ વાંચો :-