ઈઝરાયેલનો ઈરાન પર જવાબી હુમલો, ન્યુક્લિયર પ્લાન્ટ નજીક જોરદાર વિસ્ફોટ

Share this story

ઈઝરાયેલ દ્વારા ઈરાન પર જવાબી કાર્યવાહી કરીને મોટો હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો અમેરિકન મીડિયાએ કર્યો છે. ઈરાનના ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં સહયોગી દેશોની સંયમ રાખવાની અપીલને ફગાવી દીધી હતી. ઇસ્ફહાન પ્રાંતમાં ઈરાનનાં સૌથી મોટાં ઍરબેઝ, મિસાઇલનાં પ્રોડક્શન સંકુલ અને કેટલીક ન્યૂક્લિયર સાઇટ આવેલાં છે. ઍસોસિએટેડ પ્રેસ અનુસાર ઈરાનના સરકારી મીડિયા જણાવે છે કે ઘણાં શહેરોમાં ફ્લાઇટ્સને અટકાવી દેવામાં આવી છે. જે શહેરોમાં ઉડાનો રદ કરી દેવાઈ તેમાં તેહરાન, શિરાક્સ અને ઇસ્ફહાન સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે, ઈઝરાયલે ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલ તરફથી હુમલાના અહેવાલ બહાર આવ્યા બાદ ઈરાને પશ્ચિમી ભાગમાં અવરજવર માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈરાની મીડિયાએ જણાવ્યું છે કે, વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઈરાનની ‘ફાર્સ ન્યૂઝ એજન્સી’ અનુસાર, ઈસ્ફહાન એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે વિસ્ફોટોના કારણોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ઈરાનનો નતાન્ઝ પરમાણુ પ્લાન્ટ ઈસ્ફહાનમાં આવેલો છે.

ઉલ્લેખનીય છે કે ગત શનિવારની રાત્રે ઈરાને ઇઝરાયલ પર કરેલા અભૂતપૂર્વ હુમલાને કારણે સમગ્ર મધ્ય-પૂર્વ એશિયાના ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિનું નિર્માણ થયું છે. ઈરાને ઇઝરાયલ પર અંદાજે ૩૦૦ મિસાઇલ અને ડ્રોન છોડ્યાં હતાં.આ મહિને ઈરાનના મિલિટરી કમાન્ડરનું સ્ટ્રાઇકમાં થયેલું મૃત્યુ હતું અને તેના સાથીદારોના દમાસ્કસમાં થયેલા મૃત્યુના બદલા તરીકે આ હુમલાને જોવામાં આવે છે. ઈરાન એવું માને છે આ ઇઝરાયલે કર્યું હતું.

ઇઝરાયલી ડીફેન્સ ફોર્સિસએ દાવો કર્યો હતો કે ઇઝરાયલે ૯૯ ટકા ડ્રોન અને મિસાઇલ તેની સરહદમાં પ્રવેશે તે પહેલાં જ તોડી પાડ્યાં હતાં. પહેલી એપ્રિલે સીરિયાની રાજધાની દમિશ્કમાં ઈરાની દૂતાવાસ પર હુમલો થયો હતો. આ હુમલામાં કુલ ૧૩ લોકોનાં મોત થયાં હતાં. ઈરાને આ હુમલા પાછળ ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું. જોકે ઇઝરાયલે સીધી રીતે આ હુમલાની જવાબદારી નહોતી લીધી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે આ બધાં ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં અમેરિકાએ પણ ઇઝરાયલની મદદ કરી હતી. યુનાઇટેડ કિંગ્ડમે પણ આ ક્ષેત્રમાં આરએએફ જેટ ઉતારી દીધા છે. આવું પહેલી વાર બની રહ્યું છે જ્યારે ઈરાને ઇઝરાયલ પર સીધો જ હુમલો કર્યો હોય. દાયકાઓથી તે હિઝબુલ્લાહ અને હમાસના સથવારે ઇઝરાયલ સાથે તેનું પ્રોક્સી વૉર ચાલતું રહ્યું છે.

આ પણ વાંચો :-