યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાઇલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં વધી રહેલા મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામની પણ અપીલ કરી હતી. એક ન્યૂઝ એજન્સીએ રવિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના એક નિવેદનને ટાંકીને કહ્યું કે, આ યુદ્ધમાં દરરોજ મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકો મરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ બધું ગાઝામાં બંધ થવું જોઈએ. હું તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ માટે હાકલ કરું છું.
યુએન સેક્રેટરી જનરલે ગાઝાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ૨૪ કલાકથી ઓછા સમયમાં ગાઝામાં યુએન દ્વારા સંચાલિત શરણાર્થી શિબિર પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ડઝનેક લોકો માર્યા ગયા હતા, જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. યુદ્ધને કારણે હજારો પેલેસ્ટિનિયન નાગરિકોએ ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવવામાં આવેલા કેમ્પમાં આશરો લીધો છે. તેમણે કહ્યું કે હું ફરીથી પુનરાવર્તન કરું છું કે, પરિસર પર હુમલો કરવો યોગ્ય નથી.
૭ ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાઇલ પર હુમલા બાદ ઈઝરાયલની સેના ગાઝામાં હમાસની જગ્યાઓ પર કાર્યવાહી કરી રહી છે. આ યુદ્ધને કારણે ગાઝામાં ૧૧,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝામાં મરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઈઝરાઇલની કાર્યવાહીને કારણે ગાઝામાં માનવીય સંકટનો ખતરો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ અલ શિફા હોસ્પિટલમાં દાખલ 31 બાળકોને બહાર કાઢ્યા છે જેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. સોમવાર સુધીમાં ગાઝામાં મૃત્યુઆંક ૧૧,૦૭૮ હતો, જેમાં ૪,૫૦૬ બાળકો અને ૩,૦૨૭ મહિલાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-