Wednesday, Apr 8, 2026

IPS મનોજ નિનામાનું રાજીનામું, સ્થાનિક ચૂંટણીમાં ભાજપથી ઉમેદવારીની ચર્ચા

2 Min Read

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષોએ ધમધમાટ શરૂ કરી દીધો છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 2006ની બેચના આઈપીએસ અધિકારી મનોજ નિનામાએ રાજીનામું આપ્યું છે. તેઓ ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. આ પહેલા તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે.

મનોજ નિનામા હાલ આઈજીપી તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચમાં તૈનાત હતા. તેઓ અરવલ્લી જિલ્લાની ભીલોડા જિલ્લા પંચાયતની ચૂંટણી લડી શકે છે. અહીંયા કોંગ્રેસની સ્થિતિ ઘણી મજબૂત છે. આ સ્થિતિમાં મનોજ નિનામાની એન્ટ્રીને ભાજપનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. નિનામાના રાજીનામા બાદ ઉત્તર ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ છે.

કોણ છે મનોજ નિનામા
1 જૂન 1966ના રોજ જન્મેલા મનોજ નિનામા આદિવાસી સમુદાયથી આવે છે. તેમણે બીકોમ પછી એલએલબી કર્યું છે. 2006ની બેચના આઈપીએસ મનોજ નિનામા ગુજરાત પોલીસમાં લાંબા સમયથી સેવા આપી રહ્યા છે. તેઓ સ્ટેટ ટ્રાફિક વિંગમાં આઈજીપી હતી. આ પહેલા વડોદરા સિટીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ આ પહેલા જ રાજીનામું આપી દીધું છે.

શિસ્તબદ્ધ અને વહીવટી અનુભવ ધરાવતા નિનામાની રાજકારણમાં એન્ટ્રીથી વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં જ્યારે ભાજપ અને અન્ય પક્ષો દ્વારા નવા અને શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારીની રાજકારણમાં એન્ટ્રી ખાસ ચર્ચાનો વિષય બની છે. જો ભાજપ તેમના નામ પર મહોર મારશે, તો સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં પક્ષ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેના પર હવે સૌની નજર ટકેલી છે.

Share This Article