ઈંટરનેશનલ માર્કેટમાંથી ભારતીય ચા પાછી આવી, કહ્યું- તેમાં જંતુનાશક અને…

Share this story

Indian tea returned

ભારતના ચા ઉત્પાદકો માટે માઠા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભારતીય ચામાં જંતુનાશક અને રસાયણોની વધારે માત્રા હોવાના કારણે ચાનો માલ ઈંટરનેશનલ માર્કેટમાંથી પાછો આવ્યો છે. ઈન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસિએશન (ITEA)ના પ્રમુખ અંશુમન કનોરિયાએ આ માહિતી આપી છે.

હકીકતમાં જોઈએ તો, શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે, ભારતીય ચા ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનો કારોબાર વધારવાની મોટી તક મળી હતી, પરંતુ મર્યાદાથી વધુ જંતુનાશકો અને રસાયણોના ઉપયોગથી મોટો ફટકો પડ્યો છે.

શિપમેન્ટમાં સતત ઘટાડો :

ટી બોર્ડ નિકાસને વેગ આપવા વિચારી રહ્યું છે. પરંતુ કન્સાઈનમેન્ટ પરત આવવાને કારણે શિપમેન્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં વેચાતી તમામ ચાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના ધારાધોરણોને અનુરૂપ હોવા જોઈએ. જોકે, કનોરિયાએ જણાવ્યું હતું કે, મોટાભાગના ખરીદદારો એ જ ચા ખરીદે છે, જેમાં અસાધારણ રીતે વધારે કેમિકલ હોય છે.

EU નિયમો કડક :

2021માં ભારતે 195.90 મિલિયન કિલો ચાની નિકાસ કરી હતી. ભારતીય ચાના મુખ્ય ખરીદદારો કોમનવેલ્થ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (CIS) નેશન અને ઈરાન હતા. બોર્ડે આ વર્ષે 300 મિલિયન કિલો ચાની નિકાસ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કનોરિયાએ કહ્યું કે, ઘણા દેશો ચા માટે કડક નિયમોનું પાલન કરી રહ્યા છે. મોટાભાગના દેશો યુરોપિયન યુનિયન (EU) ધોરણોનું પાલન કરે છે, જે FSSAI નિયમો કરતાં વધુ કડક છે.

નિયમો હળવા કરવાની માંગ :

તેમણે કહ્યું કે, કાયદાનું પાલન કરવાને બદલે, ઘણા લોકો સરકાર પાસેથી FSSAI ધોરણોમાં વધુ છૂટછાટની માંગ કરી રહ્યા છે. કનોરિયાએ કહ્યું કે, આ ખોટો સંકેત આપશે કારણ કે ચાને હેલ્થ ડ્રિંક ગણવામાં આવે છે. ટી બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ  જણાવ્યું કે આ મુદ્દે ટી પેકર્સ અને નિકાસકારો તરફથી ફરિયાદો મળી છે. ભારતે 2021માં 5,246.89 કરોડ રૂપિયાની ચાની નિકાસ કરી હતી.

આના કારણે થતી મુશ્કેલી :

છેલ્લા કેટલાક વર્ષોમાં, આબોહવા પરિવર્તનને કારણે ચાના બગીચાઓમાં ઘણો બદલાવ આવ્યો છે. ભારે વરસાદ અથવા લાંબા સમય સુધી દુષ્કાળને કારણે જીવાતોનું જોખમ વધી ગયું છે. અહેવાલો અનુસાર, ઘણીવાર જંતુનાશકનો ઉપયોગ સમાપ્ત થયા પછી જ પાંદડા તોડી લેવામાં આવે છે. તેનું કારણ એ છે કે ચાના પાંદડા પર જંતુનાશકના નિશાન રહે છે. સામાન્ય રીતે જંતુનાશક દવાનો છંટકાવ કર્યાના 10 થી 20 દિવસ પછી પાંદડા તોડી લેવામાં આવે છે. જો આનું પાલન ન કરવામાં આવે તો, તેઓ વધુ જંતુનાશકો ફેલાય છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Indian tea returned