વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવવા જઈ રહ્યાં છે, તે પહેલાં રેલવેએ આજે મોટો નિર્ણય લીધો છે. વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ પહેલાં આરઆરટીએસનું નામ રેપિડએક્સથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું છે. દેશની પહેલી નમો ભારત ટ્રેન દિલ્હીથી મેરઠની વચ્ચે ચાલશે. તેના અમુક સેક્શન શરૂ થઈ ચુક્યાં છે. વડાપ્રધાન મોદી આ સાથે છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરશે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, અમદાવાદ-ભુજ વંદે મેટ્રો ટ્રેન (હવે નમો ભારત રેપિડ રેલ) નવ સ્ટેશનો પર ઊભી રહેશે અને 110 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે 5 કલાક 45 મિનિટમાં 360 કિલોમીટરનું અંતર કાપશે. જે ભુજથી સવારે 5:05 વાગ્યે ઉપડશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ જંકશન પહોંચશે. મુસાફરો માટે તેની નિયમિત સેવા અમદાવાદથી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સમગ્ર પ્રવાસ માટે ભાડું 455 રૂપિયા પ્રતિ પેસેન્જર રહેશે.
‘વંદે મેટ્રો’ ટ્રેન અને દેશમાં કાર્યરત અન્ય મેટ્રોની વિસ્તૃત વિગતો આપતા મંત્રાલયે કહ્યું કે, વંદે મેટ્રો મહત્તમ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તેનો ફાયદો એ છે કે, તે યાત્રા ઝડપથી પૂર્ણ કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. ‘વંદે મેટ્રો’ ટ્રેનને ટક્કર વિરોધી ‘કવચ’ જેવી અદ્યતન સુરક્ષા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે કહ્યું કે, આ ટ્રેનમાં 12 કોચ હશે, જેમાં 1,150 મુસાફરોની બેઠક ક્ષમતા હશે.
રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વંદે મેટ્રો (હવે નમો ભારત રેપિડ રેલ)ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ અને એર કન્ડિશન્ડ છે. મુસાફરો ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકશે. આ ટ્રેનને સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારતની તર્જ પર તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો :-