ઇઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે રવિવારે ભારત તરફથી બીજું વિમાન જરૂરી સહાય લઇને ગાઝા જવા રવાના થયું છે. ગાઝા પટ્ટીના રહેવાસીઓ માટે આજે બીજીવાર ભારતે સહાય મોકલી છે. આ અંગેની માહિતી વિદેશપ્રધાન એસ જયશંકરે આપી હતી.
વિદેશપ્રધાને સોશિયલ મીડિયા સાઇટ X પરની તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, ભારત પેલેસ્ટાઇનના લોકોને સહાય પહોંચાડવાનું ચાલુ રાખશે. આજે ભારતનું બીજુ વિમાન અંદાજે ૩૨ ટનની ચીજવસ્તુઓ લઇને રવાના થયું છે. આ વિમાન પહેલા ઇજીપ્તના એલ-એરિશ એરપોર્ટ પર પહોંચશે, ત્યાંથી તેને ટ્રકમાં લોડ કરી રફાહ બોર્ડર વડે ગાઝા પહોંચાડવામાં આવશે. એલ-એરિશ એરપોર્ટથી ગાઝા આશરે ૪૫ કિમી દૂર છે. રફાહ બોર્ડર હાલની સ્થિતિમાં ગાઝા પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો છે.
આ પહેલા ૨૨ ઓક્ટોબરે ભારતે ગાઝા પટ્ટી પર યુદ્ધગ્રસ્ત લોકો માટે પહેલીવાર સહાય મોકલી હતી. જેમાં ૬.૫ ટન મેડિકલ સહાય અને ૩૨ ટન અન્ય રાહત સામગ્રીઓનો જથ્થો હતો. સર્જિકલ સામાન, તંબુ સ્લિપીંગ બેગ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમાં હતી. ૭ ઓક્ટોબરથી શરૂ થયેલા હમાસ અને ઇઝરાઇલ વચ્ચેના ભયંકર યુદ્ધમાં અત્યાર સુધીમાં ઇઝરાયલમાં ૧૨૦૦થી વધુ જ્યારે ગાઝામાં ૧૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાઇલે હવે ગાઝાની અલ શિફા હોસ્પિટલ પર કબજો કરી લીધો છે.
હમાસના આતંકવાદીઓ હોસ્પિટલની અંદરથી તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે, આ પછી હોસ્પિટલમાં પાણીપ્રવાહ, વીજપ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો. જેથી અનેક દર્દીઓ મોતને ભેટ્યા હતા. આ પછી સેનાએ હોસ્પિટલ પર કબજો કરી લેતા તબીબો તથા અન્ય સ્ટાફ હોસ્પિટલ છોડીને ભાગ્યા હતા. તો કેટલાક દર્દીઓને ઇઝરાઇલે બંદૂકની અણીએ બહાર કાઢ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-