ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દરેક બાબતમાં ખરાબ છે. સંયુક્ત રાષ્ટ્રમાં ’શાંતિની સંસ્કૃતિ’ વિષય પર જનરલ એસેમ્બલીની બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ભારત વિરૂદ્ધ ભાષણબાજી કરી હતી અને કાશ્મીર, સીએએ અને અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે ભારત વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી. આનો જવાબ આપતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા નિવેદનને અયોગ્ય ગણાવતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાકહ્યું હતું કે દરેક પાસાંમાં પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ સૌથી વધુ શંકાસ્પદ રહ્યો છે. UNમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ‘શાંતિની સંસ્કૃતિ’ વિષય પર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન કાશ્મીર, CAA અને રામ મંદિર જેવા મુદ્દાઓ વિશે લાંબુલચક ભાષણ આપતા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. UNમાં ભારતના સ્થાયી પ્રતિનિધિત્વ કરનારા રૂચિરા કંબોજે આ વિશે આકરી પ્રતિક્રિયા આપી હતી.
ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે ’આતંકવાદ શાંતિની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને તે કરુણા, સહઅસ્તિત્વ જેવા ધર્મના ઉપદેશોની પણ વિરુદ્ધ છે. આપણો દેશ માને છે કે આખું વિશ્વ એક પરિવાર છે અને સંયુક્ત રાષ્ટ્રની એસેમ્બલીના તમામ સભ્ય દેશોએ પણ આ માનવું જોઈએ જેથી કરીને શાંતિની સંસ્કૃતિને આગળ વધારી શકાય. કંબોજે કહ્યું કે વૈશ્વિક પડકારો વધી રહ્યા છે. વધતી અસહિષ્ણુતા, ભેદભાવ અને ધર્મ આધારિત હિંસાના પડકારો પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. અમે ચર્ચ, બૌદ્ધ સ્થળો, ગુરુદ્વારા, મસ્જિદો, મંદિરો અને યહૂદી ધર્મસ્થાનો જેવા પવિત્ર સ્થળો પર હુમલાની વધતી ઘટનાઓથી ચિંતિત છીએ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં દરરોજ હિંદુ મંદિરો અને ગુરુદ્વારા પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે.
કંબોજે કહ્યું કે અમે હંમેશા ખાસ કરીને ચર્ચ, મઠો, ગુરુદ્વારા, મસ્જિદો, મંદિરો સહિતના પવિત્ર સ્થળો પર વધતા હુમલાઓથી ચિંતિત છીએ. આ પ્રકારના હુમલાઓની સામે વિશ્વે એકજુટ થઈને સક્રિયપણે પગલાં ભરવા જોઈએ. ભારત માત્ર હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મનું જન્મસ્થળ નથી, પરંતુ ઇસ્લામ, યહુદી, ખ્રિસ્તી અને પારસી ધર્મનું પણ પારણું છે.” તે ઐતિહાસિક રીતે ધર્મના આધારે જુલમ ઇચ્છતા લોકો માટે આશ્રયસ્થાન રહ્યું છે.