ભારતે મહિલા T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત

Share this story

ભારતે મહિલા T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. 3 ખેલાડીઓને રિઝર્વ પ્લેયર તરીકે રાખવામાં આવ્યા છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. હરમનપ્રીત સિવાય સ્મૃતિ મંધાના ટીમની બીજી અનુભવી ખેલાડી છે.

શ્રેયંકા પાટીલ અને વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જેઓ હજુ પોતાની ઈજામાંથી બહાર આવ્યા નથી. જો આ બંને ખેલાડીઓ ટૂર્નામેન્ટ શરૂ થાય ત્યાં સુધીમાં ફિટ થઈ જશે તો તેઓ ટીમમાં રહેશે. પસંદગી સમિતિએ 3 ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખ્યા છે.

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાને ઓપનિંગ કરવાની જવાબદારી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માના હાથમાં રહેશે. આ સિવાય જેમિમાહ રોડ્રિગ્ઝ, કેપ્ટન હરમનપ્રીત કૌર અને અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મિડલ ઓર્ડરમાં ટીમની કમાન સંભાળતા જોવા મળશે. આ સિવાય યસ્તિકા ભાટિયા અને ડી. હેમલતામાંથી એકને મિડલ ઓર્ડરમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે.

વિકેટકીપર તરીકે રિચા ઘોષ ટીમની પહેલી પસંદગી છે, જે મેચ પૂરી કરવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. રિચા લાંબા શોટ મારવામાં માહેર છે. જ્યારે ટીમના પેસ આક્રમણની કમાન રેણુકા ઠાકુર અને પૂજા વસ્ત્રાકર સંભાળશે, જ્યારે શ્રેયંકા પાટીલ, આશા શોભના અને રાધા યાદવ સ્પિન વિભાગ સંભાળતા જોવા મળશે.

મહિલા T20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરના રોજ UAEમાં યોજાવાનો છે, જેમાં ભારતીય ટીમ 4 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે 6 ઓક્ટોબરે હાઈ-વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ 9 ઓક્ટોબરે શ્રીલંકા અને 13 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ 17 અને 18 ઓક્ટોબરે રમાશે. જ્યારે ફાઈનલ 20 ઓક્ટોબરે યોજાશે.

આ પણ વાંચો :-