સુરતમાં ‘જળસંચય જન ભાગીદારી યોજના’નો શુભારંભ

Share this story

સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર જ નિર્ભર છે. આવકના નવા સ્ત્રોત ન હોવાથી પાલિકાએ કરકસર ભર્યું બજેટ બનાવી અધિકારીઓને કરકસર કરવા માટે સૂચના આપી હતી. પરંતુ વિવિધ કાર્યક્રમની જેમ આજે વડા પ્રધાનની વર્ચ્યુઅલ હાજરીવાળો જળસંચય યોજનાનો કાર્યક્રમ માટે સુરત પાલિકા 1.70 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે. આ માટે સુરત પાલિકાની સ્થાયી સમિતિમાં વધારાના કામ તરીકે દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરી માટે 1.70 કરોડનો ખર્ચ છે. જો વડાપ્રધાન રૂબરૂ હાજર રહેવાના હોત તો પાલિકાને આ કાર્યક્રમ કેટલામાં પડત તે કલ્પના કરવી મુશ્કેલ છે.

આવતીકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ‘જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ કરાવશે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલ હાજર રહેશે. જોકે, આ કાર્યક્રમ પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં થવાનો હાવો છતાં પણ તેનો બેથી ત્રણ કલાકના કાર્યક્રમનો ખર્ચ અધધ 1.70 કરોડને પાર કરી જશે.

સુરત પાલિકાના ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ હોવા છતાં પણ 60 લાખનો ખર્ચ મંડપ, સ્ટેજ માટેનો રહેશે. જ્યારે બ્રાન્ડીંગ, જાહેરાત, પ્રદર્શન, મુવી, પાર્કિંગને લગતી કામગીરી માટે પણ 60 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત 30 લાખનો ખર્ચ તો ઈલેટ્ર્કીટ વિભાગને સંલગ્ન કામગીરી માટે કરવામાં આવશે. જ્યારે ભોજન વ્યવસ્થા માટે 20 લાખનો ખર્ચ મળીને 1.70 કરોડનો ખર્ચ થઈ જશે. જો ઈન્ડોર સ્ટેડિયમ ન હોત અને જાહેરમાં કાર્યક્રમ હોત તો આ ખર્ચ કેટલો થાત તેનો અંદાજ કરવો મુશ્કેલ છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 45 મીનીટ વર્ચ્યુઅલ હાજરી આપશે તેના માટે અધધ 1.70 કરોડનો ખર્ચ પાલિકા કરવા જઈ રહી છે પરંતુ જો વડાપ્રધાન પોતે સુરતમાં આ કાર્યક્રમમાં હાજર રહેવાના હોત તો પણ આ ખર્ચની રકમ કેટલી થાય તેની પણ કલ્પના કરવી મુશ્કેલ બની જાય તેમ છે. આ કાર્યક્રમમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અંદાજે 7 હજાર લોકો જોડાય તેવો અંદાજ કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા આ કાર્યક્રમ માટે 1.70 કરોડના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી દીધી છે અને તેના કારણે અનેક ચર્ચાઓ પણ શરુ થઈ ગઈ છે.

આ પણ વાંચો :-