ઉકાઈમાં રેલવેમાં લોકો પાયલોટ-ગાર્ડના કર્મચારી-અધિકારીઓ માટે નાસ્તા-પાણીના પેટાકોન્ટ્રાક્ટર પાસેથી યોગ્ય સફાઈ કરતા ન હોવાથી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી ઈન્ચાર્જ સ્ટેશન અધિક્ષક કૈલાસચંદ્ર બાલુરામ મીનાએ રૂ. બે હજારની લાંચ માગી હતી. જેને પગલે પેટાકોન્ટ્રાક્ટરે એન્ટી કરપ્શન બ્યુરો સુરતનો સંપર્ક કરતાં તેઓએ ઉકાઈના ગાર્ડ રેસ્ટ હાઉસમાં જ લાંચનું છટકું ગોઠવી ઈન્ચાર્જ સ્ટેશન અધિક્ષકને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. અને સુરત ગ્રામ્યના એસીબીના પીઆઈ એસ.ડી.ધોબીએ આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગેલ પશ્ચિમ રેલવેના સ્ટેશનોમાં ચકચાર મચી ગઈ છે.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર રેલ્વેમાં લોકો પાયલોટ ગાર્ડના અધિકારી/કર્મચારીઓનુ નાસ્તા-પાણી અને જમવાનુ બનાવવા માટે દર વર્ષે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટર પાસેથી ઉકાઈ-સોનગઢ રેલવે સ્ટેશનના કૈલાશચંદ્ર બાલુરામ મીના (ઉ.વ.૪૨, હોદ્દો: ઇન્ચાર્જ સ્ટેશન અધિક્ષક, વર્ગ-૩)એ ગાર્ડ રેસ્ટ હાઉસ ( રનીંગ રૂમ), ઉકાઇ રેલ્વે સ્ટેશન, સરકારી ક્વાર્ટર નજીક, તા.જી.સોનગઢ ખાતે ગયા હતા અને પેટા કોન્ટ્રાક્ટ એવા ફરિયાદી પાસે કેન્ટીનમાં યોગ્ય સફાઈ રાખવા ન હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાનો રિપોર્ટ કરી દેવાની ધમકી આપી હતી. તેમજ જો તેમને દર મહિને બે હજાર રૂપિયા લાંચ પેટે આપવાની માગણી કરી હતી.
આ લાંચની રકમ બાબતે ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્યની એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો આથી સુરત એસીબીના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ સુરત ગ્રામ્ય એસીબી પીઆઈ એસ.ડી. ધોબીએ ગાર્ડ રેસ્ટ હાઉસ ( રનીંગ રૂમ), ઉકાઇ રેલ્વે સ્ટેશન, સરકારી ક્વાર્ટર નજીક, તા.જી.સોનગઢ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જે બાબતે લાંચ લેવા આવેલા ઈન્ચાર્જ સ્ટેશન અધિક્ષક કૈલાસચંદ્ર બાલુરામ મીના રૂ. 2000ની લાંચ લેવા જતાં રંગેહાથ પકડાઈ ગયા હતા. આ બાબતે એસીબી પીઆઈ ધોબીએ ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે પશ્ચિમ રેલવેનો અધિકારી જ લાંચ લેતા પકડાઈ જતાં રેલવે સ્ટેશનોના પરીસરમાં ભારે ચકચાર મચી ગઈ છે.