Friday, Oct 24, 2025

પાંચમા તબક્કામાં આજે ૮ રાજ્યોમાં કુલ ૪૯ બેઠકો પર થશે મતદાન

2 Min Read

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો માટે ૨૦મેના રોજ મતદાન શરૂ થયું છે. આજે ૮ કરોડ ૯૫ લાખથી વધુ મતદારો ૮ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ લોકસભા બેઠકોના ૯૪૭૩૨ મતદાન મથકો પર મતદાન કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બાકીની ૩૫ બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં લોકસભાની ૪૯ બેઠકો માટે કુલ ૬૯૫ ઉમેદવારો મેદાનમાં છે.

આ તબક્કામાં ઉત્તર પ્રદેશની ૧૪, મહારાષ્ટ્રની ૧૩, પશ્ચિમ બંગાળની સાત, ઓડિશાની પાંચ, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, જમ્મુ-કાશ્મીરની એક અને લદ્દાખની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, રોહિણી આચાર્ય, ઓમર અબ્દુલ્લા અને પીયૂષ ગોયલ જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે કે જેમના વિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે.

અભિનેતા અક્ષય કુમાર પણ તેમના નિયુક્ત મતદાન કેન્દ્ર પર મતદાન કરનાર પ્રથમ લોકોમાં સામેલ હતા. મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યા પછી, અભિનેતા અક્ષય કુમાર પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવ્યું જે બાદ અક્ષય કુમારે કહ્યું હતુ કે, ‘…હું ઈચ્છું છું કે મારું ભારત વિકસિત થાય અને મજબૂત બને. મેં આને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. ભારતે તેને જે યોગ્ય લાગે તેના માટે મત આપવો જોઈએ. મને લાગે છે કે મતદાનની ટકાવારી સારી રહેશે.

પશ્ચિમ બંગાળની હાવડા લોકસભા સીટના લીલુઆહના ઈન્ડિયન સ્કૂલના બૂથ નંબર ૧૭૬ પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ છે. પ્રિસાઇડિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર, તેમને થપ્પડ મારવામાં આવી હતી અને આ પછી મતદાન પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. તે જ સમયે, બોનગાંવ લોકસભા સીટના સ્વરૂપનગર વિધાનસભા ક્ષેત્રના નવાબકાટી મોરલ પાડા વિસ્તારમાં મતદારોને મારવાની ફરિયાદો સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મતદારો બીજેપી સમર્થક છે.

આ પણ વાંચો :-

Share This Article