Friday, Apr 25, 2025

સુરત પોલીસ એક્શનમાં, ગોડાદરામાં દારૂના અડ્ડાઓ પર ચાલ્યું દાદાનું બુલડોઝર

2 Min Read

ગુજરાતના મુખ્ય શહેરો સહિત અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ વધી રહી છે. અમદાવાદના વસ્ત્રાલમાં ભય ફેલાવનાર આરોપીઓના ઘરોને ધ્વસ્ત કર્યા બાદ રાજ્ય પોલીસ પ્રધાન વિકાસ સહાયને 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આ સમય દરમિયાન સુરતના ગોડાદરા રેલવે ફાટક પાસે લાંબા સમયથી ચાલતા દારૂના અડ્ડાને આજે ગોડાદરા પોલીસ દ્વારા કડક પોલીસ સુરક્ષામાં બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો.

100 કલાકના આ અભિયાન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચે 22 શખ્સોને પોલીસ મથકે બોલાવીને તેમને ‘કાન પકડીને’ બેસાડ્યા. પોલીસ દ્વારા આ શખ્સોની પુછપરછ કરાઈ અને સખ્ત કાર્યવાહી માટે ચેતવણી આપવામાં આવી. ખાસ તપાસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચે લગભગ 1300 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જેમાં 300 ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદના વસ્ત્રાલની ઘટનાને પગલે ગુજરાત પોલીસ વડાએ એક મોટો આદેશ જારી કર્યો છે, જેમાં 100 કલાકની અંદર રાજ્યભરના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત કરવા તેમજ અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શનિવારે વીડિયો કોન્ફરન્સ મારફતે તમામ પોલીસ કમિશનર, રેંજ વડા અને જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દરેક પોલીસ મથકના વિસ્તારમાં વસવાટ કરતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી.

રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી તાત્કાલિક અમલમાં મૂકવા હુકમ કરવામાં આવ્યો છે. સાથે જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યાદીમાં કોને સામેલ કરવાના છે. આ યાદીમાં એવા શખ્સોને ઉમેરવાની સૂચના આપવામાં આવી છે, જે વારંવાર શારીરિક હુમલાઓ, દબાણખોરી, ધમકી, મિલ્કત સામેના ગુનાઓ, દારૂ-જુગાર, ખનિજ ચોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રજામાં ભય ફેલાવે છે.

Share This Article