પાલનપુરમાં ૩૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ, મિલકતો વેચવા પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે

Share this story

ગુજરાતમાં અશાંતધારાને લઈને અનેક વિવાદો સામે આવતાં હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ૩૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને અશાંત ધારાનો અમલ શરૂ કરી દીધો છે. આ ૩૫ વિસ્તારોમાં મિલકત વેચવી હશે તો હવે નાગરિકોએ પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે.

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ૩૫ ગામોમાં જો કોઈ નાગરિકે મિલકત વેચવી હશે તો અગાઉથી પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે. સરકારે જાહેર કરેલો અશાંત ધારો ૨૦૨૩થી ૨૦૨૮ સુધી અમલમાં રહેશે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં કોમી રમખાણો થયાં હતાં જેને લઈને સરકારે અશાંત ધારો લગાવવાનો નિર્ણય કર્યો છે.

અશાંત વિસ્તારો એટલે કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સાઓ વારંવાર બનતા હોય તેવા વિસ્તારોમાં શાંતિ સ્થપાઈ રહે અને કોઈ ચોક્કસ સમુદાયના લોકોની વસતી વધી અને જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય તો ત્યાં વસતાં લોકોની મિલકત પર તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો અશાંત ધારો છે. આ વિસ્તારોની મિલકત તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વ મંજુરી લેવી જરૂરી બને છે.

આ પણ વાંચો :-