સુરત નવી સિવિલ હોસ્પિટલ આજથી અમરનાથજી યાત્રા માટે મેડીકલ ફીટનેસ સર્ટીફિકેટ આપવાની કામગીરી શરૂ કરાઇ હતી. સિવિલ કેમ્પસના જુના એમ.આઇ.સી.યુ. બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. સવારે 6 વાગ્યાથી લોકો સર્ટી માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. ભમ ભમ ભોલે અને હર હર મહાદેવ ના નારાની ગુંજ સાથે લોકોએ ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું. જોકે મોટી સંખ્યામાં આવેલા ભક્તોને લઈ અફરા તફરીનો માહોલ સર્જાતા લોકો એક સાથે ભીડમાં MICU માં ઘૂસવાનો પ્રયાસ કરતા શટલ ની જાળી તૂટી ગઈ હતી. જોકે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા માહોલ શાંત થઈ ગયો હતો.ત્યારબાદ ફરી સર્ટીની કામગીરી શરૂ કરાઇ હતી.
યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુ એ કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇ.સી.જી. ની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. શ્રી અમરનાથજી યાત્રાએ જનારા યાત્રાળુએ પોતાની સાથે નંગ-4(ચાર) પાસપોર્ટ સાઇઝ ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટીંગ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ પૈકી કોઇપણ એક) અસલ તથા ઝેરોક્ષ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટીફિકેટ ફોર્મ (બે નકલમાં) સાથે રૂબરૂમાં આવવાનું રહેશે.
સરકારના પ્રવર્તમાન પરિપત્ર/ગાઇડલાઇન અનુસાર 13 વર્ષથી નીચેનાં અને 70 વર્ષ ઉપરનાં વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મેડીકલ સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. તેમ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષકની યાદીમાં જણાવાયું છે.