સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગર નિગમના સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને મંજૂરી આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું ભાષા સંસ્કૃતિનો હિસ્સો છે અને તેનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ. ઉર્દૂ ‘ગંગા-જમુની તહેજીબ’ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને આ ભાષાનો જન્મ ભારતમાં જ થયો છે.
ભાષા કોઈ કોઈ ધર્મની નથી હોતી:
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે “કોઈપણ ભાષા પ્રત્યે આપણી ગેરમાન્યતાઓ અને પૂર્વગ્રહોની સત્યતા સાથે ચકાસણી થવી જોઈએ. આપણે ઉર્દૂ અને દરેક ભાષા સાથે મિત્રતા કેળવીએ.”
કોર્ટે વધુમાં કહ્યું, “એ એક ગેરસમજ છે કે ઉર્દૂ ભારત માટે વિદેશી છે, ઉર્દૂ એક એવી ભાષા છે જેનો જન્મ આપણી પોતાની ધરતી પર થયો છે. ભાષા કોઈ સમુદાયની, કોઈ પ્રદેશની, કોઈ લોકોની હોય છે; કોઈ ધર્મની નહીં.“
સુપ્રીમ કોર્ટે ભારતઅમ ભાષાની વિવિધતા પર ભાર મુકતા કહ્યું, “આપણે આપણી વિવિધતાનો આદર કરવો જોઈએ, જેમાં આપણી સંખ્યાબંધ ભાષાઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં સોથી વધુ મુખ્ય ભાષાઓ છે. આ ઉપરાંત બોલીઓ તરીકે અન્ય ભાષાઓ છે, જેથી આ આંકડો સેંકડોમાં જાય છે. 2001 ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં કુલ 122 મુખ્ય ભાષાઓ હતી જેમાં 22 અનુસૂચિત ભાષાઓ અને કુલ 234 બોલીઓ સમાવેશ થાય છે.”