સૂત્રાપાડા અને વેરાવળમાં ભારે વરસાદથી તબાહી મચી, નદીઓ ગાંડીતૂર બની

Share this story
  • ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અનરાધાર વરસાદ. આઠ ઈંચ કરતા વધુ વરસાદથી જળબંબાકાર. સુત્રાપાડા અને વેરાવળમાં ભારે વરસાદથી તારાજી.

ગીર સોમનાથના સૂત્રાપાડામાં ૧૬ ઈંચ તો રાજકોટના ધોરાજીમાં ૧૨ ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ. અનેક વાહનો પાણીમાં ડૂબ્યાં. લોકોના ઘરોમાં ઘૂસ્યું પાણી.

ગુજરાતમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ વચ્ચે ગઈકાલે ગુજરાતના ૧૬૩ તાલુકામાં અનારાધાર વરસાદ વરસ્યો છે. જેમાં અનેક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિ ઉદભવી છે. મંગળવારે ચાર તાલુકામાં ૮ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો વીજળી પડવાથી અલગ અલગ સ્થળે ૬ લોકોનાં મોત થયા છે. આ વચ્ચે આજે ગુજરાતના ૩ જિલ્લામાં રેડ અલર્ટ તો અન્ય ૩ જિલ્લામાં ઓરેન્જ અલર્ટની હવામાન વિભાગની આગાહી છે. તો ૯ જિલ્લામાં યલો અલર્ટની આગાહી છે.

પરંતુ મંગળવારે વરસેલા વરસાદને કારણે આખુ ગીર સોમનાથ જળબંબાકાર થયું છે. ગીરસોમનાથના વેરાવળ શહેરમા દેવકા નદીના પૂરનો પ્રવાહ ઘૂસી જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. વેરાવળ નજીક દેવકા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.

ગીરસોમનાથની હીરણ નદીએ જિલ્લામા કાળો કેર વર્તાવ્યો છે. પ્રભાસ પાટણના સોનારીયા ગામમાં સર્વનાશ નોતર્યો છે. આખું ગામ અને સીમ વિસ્તાર હીરણ નદીના પૂરમાં ગરકાવ બન્યું છે તો ગામ દરિયો બની ગયો છે. અચાનક રાતે પૂર આવતા ખીલા સાથે બંધાયેલા સંખ્યાબંધ પશુઓના મોતની દહેશત છે. નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા છે. તો કેટલાય વાહનો પાણીમાં તણાયા છે. સોનારીયા ગામ હતપ્રભ થયા છે. ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવજાત નિસહાય બની છે.

ગીર પંથકમાં ભારે વરસાદ કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વેરાવળના ડાભોર નજીક પસારથી દેવી નદી ગાંડીતૂર બની છે. દેવકા નદીના પાણી ડાભોરની ‌શેરીઓમાં બે કાંઠે વહેતા થયા છે. વેરાવળથી ડાભોર જતો કોઝવે પર દેવકા નદીના પાણીમાં ગરકાવ થયો છે. વેરાવળનું ડાભોર સંપર્ક વિહોણા બન્યું છે. દેવા નદીના પાણી ડાભોર જાપા વિસ્તારમાં ફરી ‌વળતા અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે.

નીચાણવાળા વિસ્તારમાં દેવકા નદીના પાણી ધુસી જતા ‌જનજીવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડાભોર ગામના લોકો આખી રાત જાગીને વિતાવી હતી. ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમા પાણી આવી ગયા છે. ઘરવખરી સામાન પાણીમાં પલાળી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

આ પણ વાંચો :-