હમાસે યુદ્ધવિરામના છેલ્લા દિવસે ૧૬ બંધકોને મુક્ત કર્યા હતા. ત્યારબાદ ઈઝરાઇલે પણ પેલેસ્ટિનિયન કેદીઓનો મુક્ત કર્યા હતા. ઇઝરાઇલી સૈન્યએ જણાવ્યું હતું કે ૧૦ ઇઝરાઇલી મહિલાઓ અને બાળકો અને ચાર થાઇ નાગરિકોનું એક જૂથ બુધવારે મોડી રાત્રે ઇઝરાયેલ પરત ફર્યું હતું. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત , હમાસે બે રશિયન-ઇઝરાયેલી મહિલાઓને અલગથી મુક્ત કરી હતી. આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગાઝા માટે મદદ અને યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા ઈઝરાઇલ પહોંચ્યા હતા.
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ હવે બંધકોને મુક્ત કરવા અંગે નવી શરત મૂકી છે. ગાઝામાં યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટો વચ્ચે ઇઝરાયેલમાં રાખવામાં આવેલા તમામ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં તમામ બંધક ઇઝરાઇલી સૈનિકોને સોંપવા તૈયાર છીએ, એમ વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.
હમાસના અધિકારી અને ગાઝાના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી બસેમ નઈમે જણાવ્યું હતું કે સંઘર્ષને સમાપ્ત કરવા માટે વાતચીત ચાલુ છે. નઈમે સાઉથ આફ્રિકાની મુલાકાત દરમિયાન કેપટાઉનમાં જણાવ્યું હતું કે, અમે અમારા તમામ કેદીઓના બદલામાં અમારા તમામ સૈનિકોને મુક્ત કરવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, હમાસે ૭ ઑક્ટોબરે ઇઝરાઇલમાંથી ૨૪૦ લોકોને બંધક બનાવ્યા હતા. હમાસના હુમલામાં ૧૨૦૦ લોકો માર્યા ગયા હતા. જેમાં વિદેશી નાગરિક પણ સામેલ હતા.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		