ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય ખાતે હવે પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં અપાય. સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓની કેબિનમાં કાચની બોટલમાં પાણી આપવામાં આવશે. સરકારે સખી મંડળને જવાબદારી સોંપી છે.
ઈન હાઉસ રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રિયુઝ ઇકોસિસ્ટમનું CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું છે. સચિવાલય સંકુલમાં દરરોજ અંદાજિત 8 હજાર પાણીની બોટલનો વપરાશ થાય છે. સરકારના આ નિર્ણયને પગલે, સચિવાલયમાં રોજની 8 હજાર પ્લાસ્ટિકની બોટલના વપરાશ પર લાગશે બ્રેક. પાણીના પેકિંગથી લઈ વિતરણ સુધીની પ્રક્રિયાનું સંચાલન સખી મંડળ દ્વારા કરાશે. સખી મંડળને રોજગારી મળશે અને સચિવાલય પ્લાસ્ટિક ફ્રી બનશે.
આ પ્રોજેક્ટમાં અપનાવવામાં આવેલી પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી વડોદરાની યુવા સ્ટાર્ટઅપ ટીમ દ્વારા પ્રતિક પટેલના નેતૃત્વમાં વિકસાવવામાં આવી હતી. વધુમાં, પ્રખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિરમાં એક મોટા પાયે પાયલોટ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય પ્લાસ્ટિક બોટલના ભાવે કાચની બોટલોમાં પીવાનું પાણી પીરસવાનો છે.