ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ‘ચાર બંગડીવાળા’ ગીત ગાવા પર લગાવ્યો સ્ટે, જાણો કેમ ?

Share this story

લોકગાયિકા કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીતનો વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. આ ગીત ઘણા સમયથી કોપીરાઈટ કેસમાં સપડાયું છે. હવે આ ગીત ગાવા પર હાઈકોર્ટ દ્વારા સ્ટે લગાવવામાં આવ્યો છે.  એટલે કે કિંજલ દવે  ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ ગીત ગાઈ શકશે નહીં. આપને જણાવી દઈએ કે, સિવિલ કોર્ટે રેડ રિબન એન્ટરટેઈનમેન્ટનો કોપીરાઈટનો દાવો ફગાવતાં કિંજલ દવેને ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ જાહેર કાર્યક્રમોમાં ગાવાની છૂટ આપી હતી. પરંતુ સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યા બાદ ફરી એકવાર કિંજલના આ ગીત ગાવા પર રોક લગાવાઈ છે.

ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી‘ ગીત ગાવા પર સ્ટે ૬ માર્ચ સુધી લંબાવ્યો છે. સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો લોકગાયિકા કિંજલ દવે ગાયેલું “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું. જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. જે બાદ વર્ષ ૨૦૧૭થી આ ગીતને લઈને વિવાદ ચાલી રહ્યો છે.  રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર ૨૦૧૫માં કરી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. એટલે કે કાર્તિક પટેલનું ગીત કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું.

૨૦૧૯માં મુંબઈ સ્થિત રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે આ સંબંધમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અમદાવાદની કોમર્શિયલ કોર્ટે અગાઉ દવેને નોટિસ ફટકારી હતી. આ સંસ્થાએ એવો દાવો કર્યો હતો કે આ ગીત મેલબોર્ન સ્થિત કાઠિયાવાડી ગાયક કાર્તિક પટેલનું મૂળ ગીત છે.

“ચાર ચાર બાંગરી વાલી ઓડી લાઈ દો…” ગીતે ગુજરાતના અન્ય તમામ ગીતોના રેકોર્ડ તોડી નાખ્યા હતા. કિંજલ દવેએ ગાયેલા આ ગીતને યુટ્યુબ પર ૧૭.૩૩ કરોડ લાઈક્સ મળી છે. આ ગીત સોશિયલ મીડિયા પર એટલું લોકપ્રિય થયું કે લોકોએ તેમના લગ્નના ફંક્શનના વીડિયો અપલોડ કરવાનું શરૂ કરી દીધું. પાર્ટીમાં પણ આ જ ગીત ડીજે કરવાની પરંપરા શરૂ થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-