ગુજરાતમાં ઠેર-ઠેર સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઉગ્ર બનતા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ વીજમીટર સામે લોકોના સતત વિરોધને લઈને રાજ્ય સરકાર દ્વારા આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથો-સાથ જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં ગઈકાલથી સ્માર્ટ વીજ મીટર સામે જન આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા દ્વારા પુણા વિસ્તારની ૪૦ થી વધુ સોસાયટીના પ્રમુખશ્રી, આગેવાનો અને જાગૃત નાગરિકો ની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ પુણા વિસ્તારની 40 સોસાયટીઓ તથા અન્ય સોસાયટીઓ દ્વારા દરેક ના ઘરેથી સ્માર્ટ વીજ મીટર સામે વ્યક્તિ ગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવામાં અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા નિર્ણય કરવામા આવ્યો છે.
આ પણ વાંચો :-