Friday, Apr 25, 2025

ગોંડલ નજીક નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત, ચારના મોત

2 Min Read

આજે મંગળવારે વહેલી સવારે ગોંડલ પાસે અમંગળ ઘટના ઘટી હતી. રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ તો એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી.

કાળમુખી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ નજીક આજે 20 ઓગસ્ટ 2024, મંગળવારે રાજકોટથી ધોરાજી તરફ જઇ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફ આવી રહેલી કાર સાથે ધડકાભેર અથડાઇ હતી.

સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે, સ્પીડ વધારે હોવાથી સ્વીફ્ટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડી, બાદમાં બોલેરો કાર પલટી મારી હતી. સ્વીફ્ટ કાર આશરે 20 ફૂટ જેટલી પલટી મારી હતી. જેથી સ્વીફ્ટ કારમાંથી એન્જિન છૂટું પડી ગયું અને કાર ટોટલ લોસ થઈ જવા પામી હતી. અકસ્માતની જાણ થતાં બે 108, નગરપાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ જીવલેણ અકસ્માતમાં ગોંડલના સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ક્રિપાલસિંહ અપરણિત હતા અને ત્રણ ભાઈમાંથી ત્રીજા નંબરના હતા. આશરે ચાર મહિના પહેલા બીમારી સબબ ક્રિપાલસિંહના માતાનું અવસાન થયું અને ગત વર્ષ તેમના ભાઈનું અવસાન થયું હતું. આ બનાવને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મિત્રો અને પરિજનો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. સ્વિફ્ટ કારમાં સવાર સિદ્ધાર્થ કિશોરભાઈ કાચા અને વિરેન દેશુરભાઈ કરમટા ધોરાજીના હતા. હાલ તેમના પરિવારની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article