Gives free education to children of Gujarat Guardian
આજનાં ઘોર કળયુગમાં લોકો પોતાના પરિવારજનોની મદદ કરવા માટે પણ તૈયાર હોતા નથી, ત્યારે વડોદરાનો આ યુવક ફી ભરી ન શકતા બાળકોને મફત શિક્ષણ (Education) આપી રહ્યો છે. આજે મોંઘવારી (Inflation)ના જમાનામાં શિક્ષણ પણ ખૂબ મોંઘુ થઇ ગયું છે. વાલીઓને બાળકોની સ્કૂલ ફી અને ટ્યુશન ફી ભરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આવા સમયે વડોદરાનો (Vadodara) એન્જિનિયર (Engineer) નિકુંજ ત્રિવેદી પોતાની સેલેરીની 25 ટકા રકમ ગરીબ અને જરૂરિયાત મંદ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરે છે અને કારેલીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર સ્ટ્રીટલાઇટના અજવાળે 90થી વધુ બાળકોને મફતમાં શિક્ષણ આપે છે.
5 બાળકોથી શરૂ કરેલ સેવા યજ્ઞ 90 બાળકો સુધી પહોંચ્યો :
નિકુંજ ત્રિવેદી દ્વારા કરવામાં આવતું આ કાર્ય ખરેખર દરેક લોકો માટે પ્રરણારૂપી છે. મળતી માહિતી અનુસાર, નિકુંજ ત્રિવેદીએ 8 મહિના પહેલા શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો હતો. નિકુંજના જણાવ્યા અનુસાર, મેં 8 મહિના પહેલા 5 થી 6 બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. જયારે આજે 80 થી 90 જેટલા બાળકો અહી ભણવા માટે આવે છે. અહીં રસ્તા પર આવતા જતા લોકો પુસ્તકો સહિતની મદદ બાળકોને કરે છે.
આ બાળકો ભણશે તો આગામી પેઢી ભણેલી થશે.તે ઉદ્દેશથી કેટલાક હોશિયાર બાળકોને પ્રાઈવેટ સ્કૂલમાં પણ એડમિશન અપાવીને હું ભણાવું છું. તેમની ફી સહિતના ખર્ચ હું આપુ છું. તેમજ તેમના રિઝલ્ટ પણ સારા આવ્યા છે. આ બાળકોના માતા-પિતા મજૂરી કરે છે. પણ આ બાળકોને સારૂ એજ્યુકેશન મળશે તો તેમની આગામી પેઢી પુરેપુરી એજ્યુકેટેડ હશે. આ જરૂરિયાતમંદો બાળકોને સારૂ શિક્ષણ આપીને તેમને આગળ વધારવાનું મારૂ ધ્યેય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું હાલોલના ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરું છે. તેથી હું સવારથી સાંજ સુધી નોકરી કરું છું અને રોજ સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન આસપાસના સ્લમ વિસ્તારના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપુ છું. આ બાળકોને હું સ્ટ્રીટલાઇટના અજવાળે શિક્ષણ આપુ છુ.
આ એવા બાળકો છે, જેમનો પરિવાર ટ્યુશન ફીનો ખર્ચ કરી શકતો નથી. હું શરૂઆતમાં NGO સાથે જોડાઈને બાળકોને શિક્ષણ આપતો હતો. પરંતુ કોરોના પછી NGO બંધ થઇ ગઇ, પરંતુ મારે બાળકો માટે કંઇક કરવાની ઈચ્છા હતી. જેથી મેં બાળકોને સુએઝ પમ્પિંગ સ્ટેશનની બહાર બાળકોને ભણાવવાનું શરૂ કર્યું.હાલ 90 જેટલા બલાકોને હું મફત શિક્ષણ આપી રહ્યો છુ.
મેં નાનપણમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી : નિકુંજ ત્રિવેદી
નિકુંજ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, હું પણ આ બાળકો જેવા જ બેકગ્રાઉન્ડમાંથી આવુ છું. મેં પણ નાનપણમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી. મને કોઇ ભણાવવાવાળુ ન હોતું. મારી સ્થિત ખરાબ હતી. પરંતુ, આ બાળકોને મારા જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે હું પ્રયાસ કરી રહ્યો છું. એક મેડમ પણ બાળકોને ભણાવવામાં સપોર્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત ધો-10 અને 12ની વિદ્યાર્થિનીઓ પણ બાળકોને ભણાવવા માટે આવે છે.
ભવિષ્યમાં નિકુંજ સરની જેમ અમે પણ મદદ કરીશું : વિદ્યાર્થી
ફૂટપાથ સ્કૂલમાં ભણવા આવતી ધોરણ 10 ની વિદ્યાર્થિની જણાવ્યું હતું કે, ‘અહીં સર અને મેડમ અમને ખૂબ જ સારું શિક્ષણ આપે છે. જેથી હું તેમનો આભાર માનું છું, અહીં ભણાવતા સર અમારી સ્કૂલ ફી પણ ભરે છે અને હું પણ ભવિષ્યમાં ટીચર બનીશ અને આવા બાળકોની મદદ કરીશ.’
‘નિકુંજ ત્રિવેદી પાસેથી ધોરણ 8થી અભ્યાસ કરતી વિધ્યાર્થીની આજે ધોરણ 12ની પરીક્ષા આપી ચુકી છે તેને જણાવ્યું કે હું પણ મારા સરને અહીં મદદ કરવા આવું છું. સાથે ભવિષ્યમાં પણ આ પ્રકારે મદદ કરી શકું તેવા મારો પ્રયાસ રહેશે.’ આ રીતે નીકુજ ત્રિવેદી જે રીતે અનોખી સમાજ સેવા કરી રહ્યા છે, તેમને સલામ છે. તેમજ આ સમાજના દરેક લોકો માટે પ્રેરણારૂપી કિસ્સો છે.