16 સપ્ટેમ્બર 2026ના રોજ GETCOમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીને લઈને ગુજરાતભરના યુવાનોનો રોષ રસ્તા પર જોવા મળ્યો હતો. વડોદરાના આંબેડકર સર્કલ નજીક આવેલી GETCO કચેરી બહાર આશરે 200થી 300 ઉમેદવારો એકત્ર થયા હતા. ઉમેદવારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી કાયમી ભરતી કરવાની માગ ઉઠાવી હતી.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોનો મુખ્ય વિરોધ ભરતી પ્રક્રિયામાં મર્યાદિત જગ્યાઓના અલોટમેન્ટ અને બાકી ઉમેદવારો અંગે સ્પષ્ટતા ન મળવાને લઈને છે. ઉમેદવારોનું કહેવું છે કે લાયકાત ધરાવતા મોટી સંખ્યામાં યુવાનોને તક મળે તે માટે GETCOમાં મોટા પાયે કાયમી ભરતી કરવી જોઈએ. સાથે જ 2026ની ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય તો મેરિટ લિસ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમયમર્યાદા વધારવાની પણ માગ કરવામાં આવી છે.
ડીસાથી આવેલા ઉમેદવાર વિક્રમ એદૈલિયાએ જણાવ્યું કે મુખ્ય માગ આઉટસોર્સિંગ પદ્ધતિ બંધ કરવાની છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ 8 હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, જ્યારે હાલ માત્ર 271 જગ્યાઓનો પ્રથમ રાઉન્ડ જાહેર થયો છે. ઉમેદવારોએ વધુ જગ્યાઓ પર ભરતી કરવાની માગ કરી છે.
કપડવંજના હિતેશ ખાંટના જણાવ્યા મુજબ, 5 એપ્રિલ 2026ની પરીક્ષા બાદ આશરે 5,600 ઉમેદવારો સામે માત્ર 273 ઉમેદવારોનું પ્રથમ અલોટમેન્ટ જાહેર થયું છે. 7 જુલાઈએ રજૂઆત કર્યા બાદ ઓગસ્ટમાં બાકી અલોટમેન્ટ અંગે ખાતરી આપવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ મળ્યો ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
અરવલ્લી સહિત અન્ય જિલ્લાઓના ઉમેદવારોએ 4 હજાર કે તેથી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી કરવાની માગ કરી છે. માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.







