શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં રત્નકલાકાર ઘનશ્યામભાઈ રામોલિયા (ઉંમર આશરે 50 વર્ષ)એ ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો. ઘટના સવારે 6-7 વાગ્યાની આસપાસ તિરુપતિ એપાર્ટમેન્ટ, હીરાબાગ નજીક બની હતી.
પ્રાથમિક તપાસ મુજબ, ઘનશ્યામભાઈ છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા. ઉપરાંત, તેઓ લાંબા સમયથી કોઈ શારીરિક બીમારીથી પરેશાન હતા. આ આર્થિક અને સ્વાસ્થ્યની તંગીથી દબાણમાં આવીને તેણે આ પગલું ભર્યું હોવાનું ધારણાઓ છે. પોલીશ્ડ હીરાની બજારમાં વધતી માંગના કારણે છેલ્લા ઘણા સમયથી નેચરલ હીરાના કામ કામ કરતા રત્ન કલાકારો પર મંદીના એંધાણ વધ્યા છે.
ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસ દ્વારા મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ પણ આ ઘટનાને લઇને આઘાત વ્યક્ત કર્યો. પોલીસે આ મામલે “એક્સિડેન્ટલ મોત”નો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
50 વર્ષીય ઘનશ્યામભાઈના મોતના સમાચારે પાડોશી અને પરિવારજનો આ ઘટનાથી ભાવુક છે અને તેઓ આ ઘાતક નિર્ણયથી ખૂબ દુખી છે. પડોશીઓએ જણાવ્યું કે ઘનશ્યામભાઈ થોડા સમયથી માનસિક અને આર્થિક તણાવમાં હતા.
આ ઘટના શહેરમાં રત્નકલાકાર અને સામાન્ય લોકો પર વધી રહેલા આર્થિક અને માનસિક દબાણની ચેતવણીરૂપ છે. સ્થાનિક તબીબો અને મનોબળ સલાહકારોનું કહેવું છે કે વ્યક્તિને તણાવ હોય ત્યારે સમજીને તેની મદદ કરવી ખૂબ જરૂરી છે. હીરા ઉદ્યોગમાં મંદીના એંધાણના કારણે લાખો રત્નકલાકારો અને કારીગરોના રોજગારને કારમી પરિસ્થિતિ જોવાનો વારો ઉભો થયો છે જેના પર યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે.