નવસારી જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે.
ગત 24 કલાકમાં ખેરગામમાં 7.8 ઈંચ, વાંસદામાં 7.2 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ, કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી તેની ભયજનક સપાટીથી 5 ફૂટ નીચે વહેતા ખાસ કરીને ચીખલી, ખેરગામ તાલુકાના અને બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગણદેવીના અજરાઈ અને પોસરી ગામે બે મકાન તુટી પડયા હતા.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજેએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે, ઉપરવાસ અને નવસારીમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, અને જિલ્લાની ત્રણ મોટી નદીઓ પણ ગાંડીતૂર બની છે. અંબિકા નદીમાં જળસ્તર વધતાં નદીના પાણી ધોલ ગામમાં ઘૂસ્યા છે, બિલીમોરાથી અમલસાડને જોડતો રૉડ પાણીમાં સંપૂર્ણ ધોવાઈ ગયો છે. જેના તાજા દ્રશ્યો પણ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકાઓ મેઘો કહેર બનીને ત્રાટક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો છે. ખેરગામ તાલુકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઈંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે. તાજા અપડેટ પ્રમાણે, નવસારીની અંબિકા નદીમાં વરસાદના પાણીથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે, નદીની પાણી આજુબાજુના ગામોના ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે. બીલીમોરાથી અમલસાડના રૉડ પરનું ઘોલ ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યુ છે. અંબિકા નદીમાં ઘોડાપુરથી ઘોલ ગામ બેટમાં ફેરવાયું છે. નદીની બાજુમાંથી ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. હાલની સ્થિતિ એવી છે કે, ગામમાં પ્રવેશવાના રસ્તા પર સાતથી નવ ફૂટ સુધીના પાણી ભરાયા છે. નદીકાંઠાની મોટાભાગની આંબાની વાડીઓમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા લોકો જાતે જ સ્થળાંતરીત થવા મજબુર બન્યા છે. નદીના પૂરના પાણીથી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે.
આ પણ વાંચો :-