લોકસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પણ પેટાચૂંટણી થઈ હતી. આ તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે હવે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં વિજાપુરથી સી. જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ૧,૨૭,૪૪૬ મત મળ્યા હતા, આ બેઠક પર દમાદાર જીત દાખવી હતી. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી, મોઢવાડિયાને ૧,૩૩,૧૬૩ મત મળ્યા હતા. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલને ૮૮,૪૫૭ મત મળ્યા હતા. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાનો વિજય થયો હતો, ૧,૦૦,૬૪૧ મત મળ્યા હતા. સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક રહી હતી. આ બેઠક પરથી અરવિંદ લાડાણીને ૮૨,૦૧૭ મત મળ્યા હતા અને વિજય થયો હતો. નવા ધારાસભ્યો સાથે ભાજપનું સંખ્યાબળ હવે ૧૬૧ પર પહોંચ્યુ છે.
વિજાપુરથી સી.જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો છે. આ ઉપરાંત વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આમ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઇ ગયું છે.
આ પણ વાંચો :-