Thursday, Dec 11, 2025

સચિન જીઆઈડીસીમાં ગેસ લીકેજથી મકાનમાં આગની ઘટના, ૨ યુવતીના મોત

2 Min Read

સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસી નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ગંભીર દુર્ઘટના ઘટના ઘટી હતી. બરફની ફેક્ટરી પાસેના એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં ફ્‌લેશ ફાયર થયું હતું. જેમાં બે યુવતીઓ એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જે બાદ ચારેય લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાંથી આજે ૨ લોકોના મોત થયા છે.

દાઝી ગયેલા લોકોમાં રિન્કી હરિભાઈ પોલાઇ (ઉ.વ. ૧૯), ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ (ઉ.વ. ૨૨) અને ૨૬ વર્ષના સાલુબેન રામકુમાર મોહન તેમજ હરિઓમ સુરેન્દ્ર યાદવ હતા, જેમાંથી સાલુબેન અને રિન્કીબેન જિંદગીને અલવિદા કહ્યું છે. પરિવારજનોમાં આક્રંદ સાથે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે. સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગ પણ તપાસમાં જોતરાયું છે.

મળતી માહિતી અનુસાર ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્‌લેશ ફાયર થયું હતું. જોત જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો.

અને આગની લપેટમાં ચાર લોકો અત્યંત ગંભીર રીતે દાઝી ગયા હતા. જે બાદ ઘાયલ લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સિવલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે યુવતીના કરુંણ મોત થયા છે. જ્યારે અન્ય બે માંથી એક જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.

ફ્‌લેશ ફાયર એ અચાનક, તીવ્ર આગ છે જે હવાના મિશ્રણ અને વિખરાયેલા જ્વલનશીલ પદાર્થ જેવા કે ઘન ( ધૂળ સહિત), જ્વલનશીલ અથવા જ્વલનશીલ પ્રવાહી (જેમ કે એરોસોલ અથવા ફાઇન મિસ્ટ) અથવા જ્વલનશીલ ગેસના મિશ્રણને કારણે થાય છે.

તે ઉચ્ચ તાપમાન, ટૂંકા ગાળા અને ઝડપથી આગળ વધી પ્રચંડ આગના ગોળામાં પરિવર્તિત થાય છે. ફ્‌લેશ ફાયર અટકાવવા માટે ગેસ લીકેજ થાય ત્યારે તરત જ બારી-બારણાં ખોલવા, ઇલેક્ટ્રિક સ્વીચોને અડકવું નહીં અને તાત્કાલિક બહાર નીકળી જવું હિતાવહ છે.

Share This Article