ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી વળંદાવન-2 સોસાયટીમાં આજે શુક્રવારે સવારે એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની કરુણ ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યો છે. જે મળતકોમાં પતિ-પત્ની તથા તેમના બે નાના પુત્રોનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, સવારે 21 નવેમ્બરે વહેલી સવારે આ આગની કરૂણ ઘટના બની હતી. આજુબાજુના રહીશોએ મકાનમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોઈને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મકાનનો દરવાજો અંદરથી બંધ હતો. ફાયરકર્મીઓએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે ચારેય વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
બાદમાં આ બે પુત્રો સહિત માતા-પિતા એમ ચારેયને સવારે 7.30 વાગ્યાની આસપાસ 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા. ફાયર વિભાગે તમામને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરોએ ચારેયને મળત જાહેર કર્યા હતા.
આ આગની ઘટના અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મકાનના ગ્રાઉન્ડ ફલોર પર રહેલા સોફામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. મકાન એરપ્રટાઈટ (એર પૂફ) હોવાથી ધુમાડો બહાર ન નીકળી શક્યો અને અંદર જ ફરી વળ્યો. પરિણામે પરિવારના ચારેય સભ્યો ધુમાડાના ગૂંગળામણથી મોતને ભેટયા હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ સહિત, ગોધરા શહેર A ડિવિઝનનો પોલીસ સ્ટેશનનો સ્ટાફ, FSL ટીમ તથા નગરપાલિકાના અધિકારીઓ તથા GEBની પણ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધા બાદ FSL ટીમે ઘરમાં ખરેખર કઈ રીતે આગ લાગી તે જાણવાની તપાસ હાથ ધરી છે. ત્યારે આ દુર્ઘટનામાં એક સાથે એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.