સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં આગથી લોકોમાં  ભાગદોડ

Share this story

fire 3સુરતની જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જોકે ફાયરની ૭ થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બે માર્કેટમાં અચાનક નંદિની સાડીની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે તુરંત સ્થાનિક વેપારીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ૭ થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ દુકાનમાં રહેલો લાખો રૂપિયાની સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ગ્રાઉન્ડ ફ્લોરથી આગની શરૂઆત થઈ હતી અને અચાનક જ પ્રસરી હતી. આથી તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચતા ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ આવી જતા સ્થાનિક વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

વેપારી નરેન્દ્ર દવેએ જણાવ્યું કે આ જૂની બોમ્બે માર્કેટમાં મોટી સંખ્યામાં સાડીઓની દુકાનો આવેલી છે. સદનસીબે મોટી દુઘટર્ના બનતાં ટળી ગઇ છે. સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને ફાયરને મદદ કરી હતી જેને પગલે આગ વધુ પ્રસરતા રોકી હતી. આગ વધુ પ્રસરી જાય તેમ હતી પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી તેમજ માર્કેટની ટીમને પણ બોલવાનો પ્રયાસ કર્યો હતો તેનાથી પણ આગ ઉપર ઝડપથી કાબૂ મેળવી લેવાયો છે.

સુરતના ઉગત વિસ્તારમાં મધરાતે મોટી આગની ઘટના બની હતી. ઉગત વિસ્તારમાં શ્રીજી નગરી પાસે મોટું ભંગારનું ગોડાઉન આવ્યું છે. ત્યારે અચાનક આ ભંગારનું ગોડાઉન સળગી ઊઠ્યું હતું. ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. ભંગારના ગોડાઉનની સાથે નજીકમાં અન્ય નાની-મોટી દુકાનો પણ આવી છે અને આ દુકાનોની સાથે શ્રમજીવી લોકો પણ રહે છે. ત્યારે અચાનક ભંગારનું ગોડાઉન આગમાં ભભૂકી ઊઠતા મધરાતે નાસભાગ મચી ગઈ હતી. ગોડાઉનની આસપાસ દુકાનોમાં શ્રમજીવી લોકો નિદ્રા માણી રહ્યા હતા અને અચાનક આગની જાણ થતાં દોડધામ મચી ગઈ હતી. જોકે, સમયસર જાણ થઈ જતાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.