Friday, Dec 12, 2025

FATF નો મોટો ખુલાસો: પુલવામા હુમલામાં ઈ-કોમર્સ સાઇટ્સથી ખરીદાયા વિસ્ફોટક, જાણો સમગ્ર મામલો ?

2 Min Read

વિશ્વમાં આતંકવાદી ભંડોળ પર નજર રાખતી સંસ્થા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ના નવા રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનો હવે હથિયારો ખરીદવા અને ભંડોળ મેળવવા માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને ઓનલાઇન પેમેન્ટ સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.

FATF એ ભારતના બે મોટા કેસ, 2019 પુલવામા હુમલો અને 2022 ગોરખનાથ મંદિર હુમલોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ ઘટનાઓમાં ઓનલાઇન પ્લેટફોર્મ્સે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પુલવામા હુમલામાં IED બનાવવા માટે એમેઝોનથી એલ્યુમિનિયમ પાવડર મંગાવવામાં આવ્યો હતો, જેનાથી વિસ્ફોટની શક્તિ અનેકગણી વધી ગઈ હતી. જ્યારે ગોરખનાથ મંદિર હુમલામાં આરોપીએ PayPal દ્વારા લગભગ 6.7 લાખ રુપિયા વિદેશમાં મોકલ્યા અને VPN સેવાનો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છુપાવ્યું હતું.

આતંકવાદી ભંડોળ પર FATFનો મોટો ખુલાસો
રિપોર્ટ અનુસાર આતંકવાદીઓ હવે ઇ-કોમર્સથી 3D પ્રિન્ટર, કેમિકલ્સ અને હથિયારોના પાર્ટ્સ પણ મંગાવી રહ્યા છે. કેટલાક સંગઠન પોતાના પ્રોપેગેન્ડા મટેરિયલ, કપડાં, પુસ્તકો અને સંગીત વેચીને ફંડિંગ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓએ Amazon થી એલ્યુમિનિયમ પાઉડર મંગાવીને IED વિસ્ફોટની તાકાત વધારી દીધી હતી.

આ ઉપરાંત FATF એ એમ પણ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ફિનટેક અને ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગથી આતંકવાદીઓને સસ્તો, ઝડપી અને ઓછા ટ્રેસ થાય તેવા રસ્તા આપ્યા છે. આતંકવાદીઓ હવે ઈ-કોમર્સમાંથી 3D પ્રિન્ટેડ હથિયારો, કેમિકલ્સ અને અન્ય સાધનો ખરીદી રહ્યા છે. FATF એ એમ પણ કહ્યું હતું કે કેટલાક દેશોની સરકારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આતંકવાદીઓને ભંડોળ, તાલીમ અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી રહી છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર આવા આરોપો લગાવી રહ્યું છે.

ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવી પડશે
FATF એ સભ્ય દેશોને ચેતવણી આપી છે કે તેઓએ VPN, P2P ચુકવણીઓ અને ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવી પડશે, કારણ કે આ હવે આતંકવાદીઓ માટે સંસાધનો એકત્ર કરવાનું એક નવું માધ્યમ બની ગયું છે. FATF એ બધા દેશોને P2P ચુકવણીઓ, VPN અને ઈ-કોમર્સ સાઇટ્સ પર કડક નજર રાખવા ચેતવણી આપી છે કારણ કે આ હવે આતંકવાદીઓ માટે સસ્તા, ઝડપી અને ઓછા શોધી શકાય તેવા માર્ગો બની ગયા છે.

Share This Article