Farmers of Gujarat are in the mood to fight again
- ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘે વિશેષ બેઠક બોલાવી હતી. જેમાં સમાન વીજ દર મામલે ભારતીય કિસાન સંઘે બેઠકનું આયોજન કર્યું હતુ. છેલ્લા 6 માસથી સરકાર સમક્ષ વીજ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ખેડૂતોની કફોડી છે. વિધાનસભાની ચૂંટણી (Assembly elections) ટાણે ખેડૂતોને રિઝવવા મોટી-મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી તેનો ઉકેલ આવતો નથી. ગુજરાત સહિત દેશના ખેડૂતોની (Farmer) આવક બમણી કરવાના વાયદા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ જગતના તાતને નેતાઓ ભૂલી જતા હોય છે. ત્યારે પોતાની માંગ પૂરી કરાવવા માટે કિસાન સંધના પ્રવક્તાએ ખેડૂતોના સવાલોને લઈને રજૂઆત કરી છે.
છતાંય ઝાડી ચામડીના નેતાઓ પર તેની કોઈ અસર થતી નથી. ત્યારે રાજ્યમાં સમાન વીજ દરને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આ મામલે હવે ભારતીય કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘે વિશેષ બેઠક બોલાવી હતી. જેમાં સમાન વીજ દર મામલે ભારતીય કિસાન સંઘે બેઠકનું આયોજન કર્યું હતુ. છેલ્લા 6 માસથી સરકાર સમક્ષ વીજ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેનો કોઈ ઉકેલ મળી રહ્યો નથી.
કિસાન સંઘના પ્રવક્તાનું નિવેદન :
કિસાન સંઘના પ્રવક્તા આર કે પટેલે જણાવ્યું હતું કે, સમાન વીજ દર મામલે સરકાર સમક્ષ કિસાન સંઘે રજૂઆત કરી છે. સતત રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેનો કોઈ હકારાત્મક જવાબ મળી રહ્યો નથી. અમે તાલુકા સ્તરે ધરણા કર્યા અને આવેદનપત્ર આપ્યા હતા. ત્યારે સરકારે 4 મંત્રીઓની બેઠક યોજી આશ્વાસન આપ્યું હતું. તે વાતને એક મહિનો થઈ ગયો છે, પરંતુ હજુ કઈ થયું નથી.
ખેડૂતોની માંગણીઓ :
આર કે પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તબેલામાં પણ કોમર્શિયલ ભાવ દુર કરવાની માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને કરવામાં આવી છે. આ સિવાય મીટર બળી જાય તો તેનો ચાર્જ ખેડૂતો પર ન હોવો જોઈએ. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ છે.
છતાં ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. પરંતુ હવે એવું નહીં બને. આગામી 25 ઓગસ્ટથી ખેડૂતો ગાંધીનગરમાં અચોક્કસ મુદત સુધીના ધરણાં કરશે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા :
બીજી બાજુ કિસાન સંધના પ્રવક્તાએ ખેડૂતો અંગે કરેલા નિવેદન પર ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, કિસાન સંઘ જે આજે વાત કરે છે તે માત્ર ચૂંટણી સમયે વાત કરે છે. કિસાન કોંગ્રેસ ખેડૂતોના લમ્પી, તાઉતે વાવાઝોડાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
એટલું જ નહીં, ખેતીના બીયારણ, સાધનો પર જે ટેક્સ સરકાર લઇ રહી છે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પરંતુ મારો પ્રશ્ન છે કે કોગ્રેસની સરકારમાં ગોળીઓ ખાધેલ કિસાનની લાશો ટ્રેક્ટરમાં લઇ ફરતી કિશાન સંઘ હાલ ક્યા ગયો છે? ક્યાં ગઇ એ વિચાર ધારા?
જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, ભાજપાના 27 વર્ષમાં શાસનમાં ખેડૂત ખતમ થઇ રહ્યો છે, આત્મહત્યા કરી રહ્યો છે. ખેડૂતો પાસે દિકરાને અભ્યાસ કરાવવા કે દિકરીના લગ્ન કરાવવા કોઇ વ્યવસ્થા નથી.
ખેડૂતનું અર્થતંત્ર તુટી પડ્યું છે, ત્યારે માત્ર વાતો ના કરી મર્દાનગીથી બહાર આવે. ભાજપ સરકાર સામે કિસાનસંઘ ખેડૂતો માટે આંદોલન કરે એ જ અપેક્ષા અમે રાખી રહ્યા છીએ.